વિધાનસભાની 182 બેઠક માટે પહેલા તબક્કામાં પહેલી ડિસેમ્બર અને બીજા તબક્કામાં પાંચ ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું, જ્યારે આઠ ડિસેમ્બરના રોજ મત ગણતરી થઈ હતી. આ મતગણતરીમાં 182 માંથી 157 સીટ પર ભાજપે વિજય મેળવ્યો હતો તો 17 બેઠક પર કોંગ્રેસને જ્યારે આપને પાંચ બેઠકો પર વિજય મેળવી સંતોષ માનવો પડ્યો હતો. આ ઉપરાંત ત્રણ બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા. આ સિવાય આમ આદમી પાર્ટીએ અનેક બેઠક પર નોંધપાત્ર મત મેળવી અનેક રાજકીય પંડિતોની બોલતી બંધ કરી દીધી હતી.
જો કે આ ચૂંટણીમાં કેટલાય એવા ઉમેદવાર પણ મેદાનમાં ઉતર્યા હતા, જેઓને માંડ બે અથવા ત્રણ આંકડામાં મત મળ્યા હતા એટલે કે ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરતી વખતે જે ડિપોઝિટ ભરી હતી તે પણ પાછી મળી નથી. તો બીજી તરફ અનેક ઉમેદવારો કે જેમણે ચૂંટણી વિત્યાના એક સપ્તાહમાં પોતે કરેલા ચૂંટણી ખર્ચની વિગતો જાહેર કરવાની હોય છે તે પણ હજુ સુધી આપી નથી. જો કે હવે તેમાં પણ તેઓ નિરુત્સાહી બની ગયા હોય તેવો માહોલ છે.
મોરબી જિલ્લાની વાત કરીએ તો અહીં કુલ 35 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા હતા જેમાંથી 26 ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી શકે તેટલા મત પણ મતદારોએ ન આપતા તેમણે ફોર્મ ભરતી વખતે ભરેલ ડિપોઝિટ પણ પરત મળી નથી. બેઠક મુજબ જોઈએ તો મોરબી બેઠકમાં કુલ 17 ઉમેદવારએ દાવેદારી કરી હતી. જેમાંથી 14 ઉમેદવાર પોતાની ડિપોઝીટ પણ બચાવી શકયા નથી. આ 14 માંથી 12 ઉમેદવારને તો નોટા કરતા પણ ઓછા મળ્યા હતા. આ બેઠકમાં 1155 મત નોટાને મત મળ્યા હતા.
વાંકાનેર બેઠકની વાત કરીએ તો અહીં 13 ઉમેદવાર મેદાનમાં હતા જ્યાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સિવાય એક પણ ઉમેદવારને ડિપોઝિટ બચાવી શકે તેટલા મત મળ્યા ન હતા. અહીં 10 ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ હતી. અને 1373 મત નોટામાં પડ્યા હતા. આ જ પ્રકારે ટંકારામાં 6 ઉમેદવાર મેદાને હતા જેમાંથી 3 ઉમેદવાર ડિપોઝીટ બચાવી શક્યા ન હતા અને નોટાને વધુ મત મળ્યા હતા ટંકારામાં 1993 મતદારોએ નોટાં વિકલ્પ પસંદ કર્યો હતો.
જિલ્લાના એક પણ ધારાસભ્યને મંત્રીપદ નહીં
ગાંધીનગર ખાતે યોજાયેલા સમારોહમાં તમામ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્ય સહિતના મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને જેમને મંત્રી પદ આપવાનું નક્કી થયું હતું તેમને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી સામાન્ય રીતે ભાજપ સરકાર દ્વારામંત્રી પદ આપતી વખતે જાતિ, જ્ઞાતિ અને જિલ્લા સમાજના સોગઠાં તેમજ સિનિયોરિટી ધ્યાનમાં લેવાતા હોય છે. મોરબી જિલ્લામાંથી પણ એક ધારાસભ્યને મંત્રી પદ મળે તેવી અટકળો ચાલતી હતી અને સતત 6 વાર ધારાસભ્ય બનેલા કાંતિલાલ કે જીતુ સોમાણીને સિનિયોરિટી તેમજ જિલ્લાના એક મંત્રી તરીકે તક મળે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. પરંતુ એક પણ નામ ન આવતાં ઉત્સાહ ઓસર્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.