પ્રચાર બંધ:મોરબી જિલ્લાની 196 ગ્રામપંચાયતની ચૂંટણી માટે પ્રચાર બંધ, કાલે મતદાન

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 5 રિસીવિંગ અને ડિસ્પેચ સેન્ટર પર કર્મચારીઓ શનિવારે મત પેટી, પત્રકો સહિતનો સામાન લઈ જશે

મોરબી જિલ્લાની 196 ગ્રામ પંચાયતમાં 19 ડિસેમ્બરના રોજ 405 બુથ પર મતદાન પ્રકિયા યોજાવાની છે. આ માટે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખા દ્વારા મતદાન પ્રકિયા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. મોરબી જિલ્લાના અલગ અલગ 5 રિસીવિંગ અને ડિસ્પેચ સેન્ટર પરથી આજ રોજ મતદાન પ્રકિયામાં જોડાયેલા કર્મચારીઓ મતપેટી, મતપત્રક સહિતનો સામાન લઈ મતદાન મથક પર પહોંચી જશે, બીજી તરફ મતદારો પણ નિર્ભય બની કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વિના મતદાન કરી શકે તે માટે શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે.

જો કે શુક્રવારે સવારે અલગ અલગ ગ્રામ પંચાયતમાં ઉમેદવારો મતદારોને રીઝવવા કોઈ કસર છોડવા માંગતા ન હોય હાલ જોરશોરથી પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું હતું. ચૂંટણીનો માહોલ એકદમ રંગ જમાવી રહ્યો છે. તમામ ગામોમાં અલગ અલગ રીતે ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો. ઉમેદવારો પણ ડિજિટલ પ્રચાર તરફ વળ્યા હતા અને ભરપુર ઉપયોગ કર્યો હતો.

મોરબી નજીક આવેલા ગામમાં તો કાર્યાલય વોર અને હોર્ડિંગ્સ વોર બરાબર જામ્યું છે. જે જે ગામમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તે ગામમાં નાના મોટા અનેક હોર્ડિંગ્સ લાગ્યા છે અને એક જ ઉમેદવારના બેથી ત્રણ કાર્યાલય ધમધમી રહ્યા છે. જેમાં ચા-પાણી, નાસ્તાની મોડીરાત સુધી જ્યાફત ઉડે છે.જો કે આજે શુક્રવારથી આ કાર્યક્રમો પર રોક લાગી ગઇ છે.

જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા તાકીદ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુછારે તાકીદ કરી છે કે આવતીકાલે થનારા મતદાનમાં મતદારોએ નિશ્ચિત બૂથ પર જવાનું રહેશે અને અધિકૃત પ્રવેશ સ્થાન પરથી એક જ લાઇનમાં અંદર જઇને મત આપવાનો રહેશે. સ્ત્રીઓ માટે અલગ લાઇનની વ્યવસ્થા હોય તો એ રીતે મત આપીને તરત જ મતદાન મથકમાંથી નીકળી જવાનું રહેશે, ત્યાં એકઠાં થવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...