ખાડા નગરી:મોરબીમાં રોડનો 1 મીટરનો ખાડો બૂરવાનું પાલિકાને રૂ.1500માં પડે

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેનાલ રોડ પરથી પસાર થવું એટલે માથાનો દુખાવો - Divya Bhaskar
કેનાલ રોડ પરથી પસાર થવું એટલે માથાનો દુખાવો
  • મોરબી શહેરના કુલ 287.30 કિમી પૈકીના 14 કિમીના રસ્તા સાવ ધોવાઇ ગયાનો પ્રાથમિક અંદાજ, જે ખાડાઓ લાખોનો ધુમાડો કરાવશે તે નક્કી

મોરબી શહેરમાં રોડ રસ્તાઓ દરેક ચોમાસે ધોવાઈ જાય છે અને મોરબી શહેર ખાડા નગરીમાં ફેરવાઈ જાય છે. જો કે શહેર કરતાં પણ બદતર હાલત શહેર બહારના રસ્તાઓની છે. શહેરની અંદર પણ અમુક રસ્તાઓ આર એન્ડ બી વિભાગ હસ્તક આવતા હોવાથી બંને તંત્રના પાપે હાલ શહેર ખાડામાં અટવાઇ રહ્યું છે. મોરબી શહેરમાં ૧૩ વોર્ડ, વાડી વિસ્તાર તથા મુખ્ય માર્ગો મળીને નગરપાલિકા હસ્તકના ફુલ ૨૮૭.૩૦ કિલોમીટરના રોડ રસ્તા આવે છે. છેલ્લા બે વર્ષમાં શહેરમાં ૨.૪૫ કરોડના ખર્ચે ડામર રોડ તથા ૪.૮૬ કરોડના ખર્ચે સીસી તથા પેવર બ્લોકના રોડ બનાવાયા છે. જેમાંથી ગેરેન્ટી પિરિયડ વાળો રોડ ૨૨.૪ કિલોમીટરનો છે.

ગેરેન્ટી પિરિયડ ત્રણ વર્ષનો હોય છે. હાલમાં શહેરના મોટાભાગના ડામર રસ્તાઓ પરનો ડામર ધોવાઈ ગયો છે. પાલિકા તંત્ર દ્વારા કરાયેલા સર્વેમાં અંદાજિત 14 કિલોમીટર જેટલા માર્ગની મરામત કરવાની જરૂર છે અત્યારે તો આ ખાડાઓમાં માટી તથા ડસ્ટીંગ કપચીથી પૂરાણ કરવામાં આવે છે દર વર્ષની આ સમસ્યાથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે ત્યારે નબળું કામ કરનારા કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરાય તે જરૂરી બની ગયું છે. આ વખતે હવે પાલિકા રીપેરિંગ માટે 15 લાખ ખર્ચશે ત્યારે રસ્તા ચાલવા જેવા બનશે.

મોરબીના દલવાડી સર્કલથી રફાળેશ્વર સુધીનો કેનાલનો એક રસ્તો આર એન્ડ બી વિભાગ હસ્તક આવે છે. 12 કિલોમીટરના આ રસ્તામાં 3.9 કિલોમીટર સીસી તથા બાકીનો ડામર રોડ મંજૂર થયો છે. સાડા ત્રણ મહિનામાં પહેલા શરૂ થયેલા આ કામમાં હાલ માત્ર 2.5 કિલોમીટર આરસીસી રોડ બન્યો છે. આ રોડ પર ભયંકર ખાડા છે. આ રોડ બની રહ્યો હોવાથી કેનાલની બીજી તરફ સ્વાગત ચોકડીથી ઉમિયા સર્કલ સુધી વાહન ચાલકોને ચાલવું પડે છે. એ રોડ કોઈ જંગલ વિસ્તાર કરતાં પણ ખરાબ છે. એ રોડ પરથી દૈનિક 10 હજારથી વધુ વાહન પસાર થાય છે. એ રોડ પાલિકા હસ્તકનો છે જે મંજૂર થયો છે પરંતુ હવે કયારે કામ ચાલુ થાય એ જોવાનું રહે છે.

ચોમાસંુ પૂરું થાય એટલે કામગીરી શરૂ થશે
હાલમાં ચોમાસુ અને વરસાદ છે એ પતે એટલે તૂટી ગયેલા રોડ રસ્તાનું ડામર કામ કરાશે આ કામગીરી તાકીદે શરૂ કરવામાં આવશે. અત્યારે મોટા ખાડાઓ કે જે ભયજનક બની ગયા છે તેને બુરી દેવાયા છે. > કે. કે. પરમાર, પ્રમુખ મોરબી નગરપાલિકા

1 કિલોમીટરના રોડની મરામત 15 લાખમાં પડશે
1 કિલોમીટર રોડની મરામત માટે 15 લાખ ખર્ચવામાં આવે છે તે મુજબ 1 મીટર લંબાઈનો ખાડો બુરવાના રૂ.1500 થાય. હાલ ખાડા મોરમ અને ડસ્ટ, કપચીથી જ ભરી દેવાઇ છે અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સા વધુ ભરાતા હોય તેવું દ્રશ્ય સામે આવે છે.

ટ્રકચાલકે ખાડાથી બચવા બ્રેક મારી તો પાછળ બાઇક અથડાતાં યુવાનનું મોત
મોરબીના જેતપર રોડ પર એક યુવક તેનું બાઈક લઈને પસાર થતો હતો તે દરમિયાન રંગપર ગામની સીમમાં આવેલ સોમનાથ પેટ્રોલ પમ્પ પાસે એક ટ્રક ચાલકે તેને ઓવર ટ્રેક કર્યા બાદ આગળના ખાડાને તારવવા બ્રેક મારી દીધી હતી, જેના કારણે બાઈક ટ્રક પાછળ ઘુસી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મોરબી જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલપંપથી આગળ વેન્ટો સિરામિક પાસેથી બાઈક લઈને જઈ રહેલા નવી પીપળી ગામે રહેતા મયુરકુમાર હિતેશભાઇ કુંડારીયાને આગળ જઈ રહેલા ટ્રકનં- KA- 22- B-2192 નો ચાલક ખાડો તારવવા જતા અડફેટે લઈ લેતા યુવાન ઉપર ટ્રક ફરી વળતા મોત નીપજ્યું હતું.બનાવ અંગે મૃતક મયુરકુમારના પિતા હિતેશભાઈ કુંડારિયાએ તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ રીતે ખાડા તારવવા જતાં લોકોને જીવથી હાથ ધોવા પડી રહ્યા છે, અને વરસાદના લીધે ધોવાઇ ગયેલા રસ્તાઓ પર થાગડથીગડ કામ થઇ રહ્યા હોઇ, લોકોની પરેશાનીમાં આૈર વધારો થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...