મોરબીમાં વજેપર શેરી નં-23માં પાંચ ઈસમોએ તલવાર, છરા અને લોખંડના પાઇપ વડે મહિલા પર હુમલો કર્યો હતો. સાથે ટીવી, કબાટ તથા ફળિયામાં પડેલી બાઈકને નુકસાન પહોંચાડ્યું હતું. મહિલાને 'ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી હતી. હાલ ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ છે. આ મામલે મોરબી સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થવા પામી છે.
બનાવની મળતી વિગત મુજબ ફરિયાદી ચંદુ બાબુભાઇ થરેસાએ આરોપી કરશન લખમણભાઈ બાંભણીયા, ગીરીશ નારણભાઈ કંમ્ડારીયા, દશરથ દેવજીભાઈ વરાણીયા, વિષ્ણુ પ્રહલાદભાઈ ઠાકોર અને રાહુલ રમેશભાઈ ધામેચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમના ફૈબા કાળીબેન વેલજીભાઇ ચૌહાણના પૌત્રને આરોપી કરશને ઝગડો કરી લાફા માર્યા હતા. આ મામલે કાળીબેને આરોપીઓ પાસે ગયા હતા અને 'ઝાપટુ કેમ મારી' તેવુ પૂછ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા પાંચ ઇસમોએ કાળીબેનના વજેપર શેરી નં-23 સરદારજીના બંગલા પાસે આવેલા ઘર પર તલવાર, છરા અને લોખંડના પાઈપ સાથે ધસી આવ્યા હતા. આરોપી કરશને લોખંડના પાઈપથી કાળીબેનના માથાના ભાગે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત ઘરમા પ્રવેશી ટીવી, કબાટ તથા ફળીયામા પડેલી બાઇક પર પણ લોખંડના પાઇપની પાઈપ મારી નુક્શાન પહોચાડ્યું હતું. તેમજ આ કામે આરોપી ગીરીશે છરા વડે કાળીબેનના હાથમા ઇજા કરી તેમની ટચલી આંગળી કાપી નાખી હતી. આ ઉપરાંત પાંચેય આરોપીએ ગાળો બોલીને 'ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી હતી.
આ ઘટનાને પગલે આસપાસના લોકો અને ફરિયાદી ચંદુ આવી જતાં પાંચેય ઈસમો નાસી ગયા હતા. હાલ કાળીબેન રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં સારવાર હેઠળ છે. આ ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.