અભણ અગરિયાની કોઠાસૂઝ:રણમાં મીઠાના પાટાના તળીયા બાંધવા મોટરસાયકલ પર રોલર બનાવ્યું, પાટાના તળીયા બાંધવા અને જમીન સરખી કરવાનો બચશે સમય

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
રણમાં મીઠાના પાટાના તળીયા બાંધવા મોટરસાયકલ પર રોલર બનાવ્યું
  • અઠવાડિયા સુધીનું 3-4 જણાનું કામ આ પ્રયોગ થકી એક વ્યક્તિ દ્વારા કલાકોમાં થઈ જાય છે
  • મોટરસાયકલના આગળ-પાછળના બંને ટાયર કઢાવી ત્યાં પથ્થરના રોલર ફીટ કરાવ્યા

વેરાન રણમાં મીઠું પકવતા એક અભણ અગરિયાએ પોતાની આગવી કોઠાસૂઝથી મોટરસાયકલ પર રોલર બનાવતાં રણમાં મીઠું પકવતા અંદાજે 2000 અગરિયા પરિવારો માટે સોનાનો સુરજ ઉગ્યો હતો. રણમાં "કાળી મજૂરી થકી સફેદ મીઠું" પકવતા અગરિયા સમુદાયનો સૌથી વધુ સમય મીઠું પકવવા માટે પાટાના તળીયા બાંધવા અને જમીન સરખી કરવામાં જતો હોય છે, જેને પડાલી કહેવામાં આવે છે. જેમાં સમય અને શક્તિનો વેડફાટ થતો હોય છે. ત્યારે વેરાન રણમાં મીઠું પકવતા એક અગરિયાએ પોતાની આગવી કોઠાસૂઝથી મોટરસાયકલ પર આગવુ રોલર બનાવતાં રણમાં મીઠું પકવતા અગરિયાઓને મીઠાના પાટાના તળીયા બાંધવા અને જમીન સરખી કરવાનો સમય બચવાની આશા જાગી હતી.

રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારના અંદાજે 2000 અગરિયા પરિવારો વર્ષના આઠ મહિના પોતાના ભુલકાઓ સહિતના પરિવારજનો સાથે રણમાં કંતાનના ઝુપડામાં પડાવ નાખે છે. શિયાળામાં ગાત્રો થીજાવતી 5 ડિગ્રી ઠંડી અને ઉનાળામાં 50 ડિગ્રી તાપમાનમાં રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાયનો સૌથી વધુ સમય પાટાના તળીયા બાંધવા અને જમીન સરખી કરવામાં જતો હોય છે. અગરિયા સમુદાય રણમાં મીઠું પકવવા જાય ત્યારે જમીન સૂકાઇને આખા રણમાં તીરાડો પડી ગયેલી હોય છે. જેને પગલે અગરિયાઓને સૌપ્રથમ કૂવો ખોદીને પાણી કાઢીને જમીન પલાળવી પડે છે. ત્યારબાદ ઘરના જેટલા સભ્યો હોય તે બધા આ પાટાની પલાળેલી જમીન પર અવર-જવર કરીને પગલી આપે છે જેને 'પડાલી' કહેવામાં આવે છે. જેનાથી જમીનમાં રહેલી તિરાડો પુરાઇ જાય છે અને બાદમાં તળીયું રોડ જેવું બની જાય છે. પછી તેમાં મીઠું પકવવાની શરૂઆત કરવામાં આવે છે. પરંતુ આ બધી પ્રક્રિયામાં અગરીયાનો સમય અને શક્તિ ખુબ વપરાઇ જાય છે.

ત્યારે દસાડા મંડળીમાં પેઢી દર પેઢી પરંપરાગત રીતે મીઠું પકવતા અભણ અગરિયા બાબુભાઇ વીંધાણીએ પોતાની આગવી કોઠાસૂઝ થકી એક અનોખુ રોલર તૈયાર કર્યુ હતુ. ગેરેજ ચલાવતા પોતાના ભાઇ સાથે મળીને તેમણે મોટરસાયકલના આગળ-પાછળના બંને ટાયર કઢાવી ત્યાં પથ્થરના રોલર ફીટ કરાવ્યા હતા. ત્યારબાદ પાછળની બંને બાજુ બેરીંગ, ચક્કર અને ચેઇન ફીટ કરાવી 15 દિવસની આકરી મહેનત બાદ રણમાં મીઠું પકવવા માટેનું એક અનોખુ રોલર તૈયાર કર્યું હતું.

આ અંગે બાબુભાઈએ જણાવ્યું હતું કે, પરિવારના 3-4 સભ્યો દ્વારા અઠવાડિયા સુધી કરવામાં આવતું કામ હલે આ રોલર વડે એક વ્યક્તિ દ્વારા કલાકોમાં જ થઇ જાય છે. મારું પડાલીનું કામ પૂરુ થયા બાદ આજુબાજુના મીઠું પકવતા અગરિયાઓ મારી આ મોટરસાયકલ લઇ જઇ પડાલીનું કામ કરે છે. જેમને પરિવારમાં કોઇ સભ્ય નથી એવા મારા જેવા એકલ દોકલ માણસ માટે હવે રણમાં મીઠાના પાટામાં તળીયા બાંધવાનું કામ ખુબ આસાન થઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...