તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી ખોડ:મોરબી સિવિલમાં આરટીપીસીઆર ટેસ્ટ માટેના બન્ને મશીન બે અઠવાડિયાથી બંધ

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરરોજના 700થી 800 સેમ્પલ જામનગર મોકલવા પડે છે અને બે થી ચાર દિવસ બાદ મળે છે કોરોના રિપોર્ટ
  • જેમને અન્ય રાજ્યમાં જવાનું થાય તેમના માટે તકલીફ, કેમકે 72 કલાકનો જ રિપોર્ટ માન્ય રહે, આથી ફરજિયાત ખાનગી હોસ્પિટલમાં ચાંદલો કરવો પડે

કોરોનાની ત્રીજી લહેર આવે કે ન આવે પરંતુ આરોગ્ય તંત્ર સતત એવા દાવા કરી રહ્યું છે કે સંભવત: લહેર આવે તો પહોંચી વળવા સક્ષમ છીએ, પરંતુ મોરબીમાં ખાટલે મોટી ખોડ સામે આવી છે કે જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં વસાવવામાં આવેલા બે આરટીપીસીઆર ટેસ્ટિંગ મશીન છેલ્લા બે સપ્તાહથી બંધ પડ્યા છે અને સિવિલના વહીવટી તંત્રએ આ બાબતે ગંભીર બનવાને બદલે બીજો રસ્તો શોધી કાઢ્યો અને સેમ્પલને જામનગર મોકલી આપી ઇતિશ્રી માની લેવાનું શરૂ કરતાં ક્યાંક એવું ન બને કે આવી હળવાશ સરવાળે મોંઘી પડે! મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેરે ભારે કહેર મચાવ્યો હતો, એ સમયે પણ તંત્ર વામણું પુરવાર થયું હતું અને સેવાભાવી તથા સામાજિક સંસ્થાઓએ અથાક પ્રયાસો દ્વારા મોરબીની મદદ કરી હતી.

ત્યારે હવે કોરોનાના કેસ આવવાનું બંધ થયું છે. સાથોસાથ વેક્સિનેશન તો ચાલુ જ છે અને ટેસ્ટિંગ પણ. જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં આરટીપીસીઆર રિપોર્ટ માટેના બન્ને મશીન છેલ્લા બે અઠવાડિયાથી બંધ હોવાથી રિપોર્ટ માટે બે થી ચાર દિવસ રાહ જોવી પડી રહી છે. મોરબી જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ માટેના માત્ર બે મશીન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે છે જેમાંથી એક મશીન સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે, પરંતુ હાલમાં બંને મશીનો બંધ છે.

જેના કારણે જિલ્લા આરોગ્ય વિભાગે દૈનિક ૭૦૦ થી ૮૦૦ સેમ્પલ જામનગર ખાતે ટેસ્ટિંગ માટે મોકલવા પડે છે. આ માટે દરરોજ વહેલી સવારે આરોગ્ય વિભાગની એક ગાડી મોરબીથી સેમ્પલ લઇને જામનગર જાય છે, બીજી તરફ જામનગર ખાતે પણ અન્ય જિલ્લાઓના સેમ્પલને પ્રાથમિકતા આપવામાં આવતી ન હોવાથી આ સેમ્પલના ટેસ્ટ થઈને રિપોર્ટ આવતા બે થી ચાર દિવસ લાગે છે. મોરબી જિલ્લા આખ્ખામાં માત્ર બે જ મશીન છે અને એ પણ રક્ષાબંધનના દિવસથી બંધ હોવા છતાં સિવિલ સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી જેનો ભોગ પ્રજાએ બનવું પડે છે.

છેલ્લી 72 કલાકનો રિપોર્ટ જ માન્ય રાખવાનો નિયમ
હાલમાં જેમને વેક્સિનનો એક જ ડોઝ મળેલો છે અથવા તો જેમણે વેક્સિન નથી લીધી તેવા લોકો માટે અન્ય રાજ્યોમાં જવું હોય તો આરટીપીસીઆર રીપોર્ટ ફરજિયાત છે જ્યારે અમુક રાજ્યોમાં તો વેક્સિનના બંને ડોઝ લેવાઇ ગયેલા નાગરિકો માટે પણ આરટીપીસીઆર રિપોર્ટ જરૂરી છે. જે માત્ર છેલ્લી 72 કલાકનો જ માન્ય રહે છે પરંતુ હાલમાં મોરબીથી જામનગર સેમ્પલ મોકલાતા હોવાથી ટેસ્ટ રિપોર્ટ બે-ચાર દિવસે આવતા હોવાથી રાજ્ય બહાર જનારા લોકોએ ફરજિયાત ખાનગી લેબોરેટરીનો સહારો લેવો પડે છે.

ત્રણ દિવસમાં મશીન રિપેર થતાં ટેસ્ટ શરૂ થઈ જશે
એક મશીનમાં મોટર ખરાબ થઈ ગઈ હતી જે આવી ગઈ છે, બીજું મશીન તો માત્ર સ્ટેન્ડબાય જ રખાયું છે. બંધ મશીન માટે કંપનીના એન્જિનિયરને બોલાવ્યા છે, જે આવતા મશીન રિપેર થઈ જશે અને આગામી ત્રણ દિવસમાં ફરીથી આરટીપીસીઆર ટેસ્ટ સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ થઈ જશે અત્યારે જામનગર સેમ્પલ મોકલાય છે પરંતુ બીજા દિવસે જ રિપોર્ટ મળી જાય છે, લોકોને તકલીફ નહીં પડવા દઇએ. - ડો. પ્રદીપકુમાર દુધરેજીયા , સિવિલ સુપ્રિટેન્ડેન્ટ મોરબી

આઉટ ઓફ ઓર્ડર
જિલ્લાની સૌથી મોટી ગણાતી મોરબી સિવિલમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ મશીન બે સપ્તાહથી બંધ હોવા છતાં આરોગ્ય તંત્ર આ બાબતને ગંભીરતાથી ન લેતા દર્દી હાલાકી ભોગવી રહ્યા છે. } રોહન રાંકજા

અન્ય સમાચારો પણ છે...