ટાયર ફાટતા સર્જાયો અકસ્માત:મોરબીના ગાળા ગામ પાસે બોલેરોનું ટાયર ફાટતા પલટી મારી ગઈ, બોલેરોમાં સવાર 9 ને ઈજા પહોંચી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના ગાળા ગામ નજીક આજે સાંજના સુમારે અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો ગાડીનું ટાયર ફાટતા બોલેરો પલટી મારી ગઈ હતી. મંડપ સર્વિસના કામ અર્થે મોરબી આવેલ ગાડી પલટી મારી જતા ગાડીમાં સવાર 9 લોકોને ઈજા પહોંચી હતી.

મોરબીના ગાળા ગામ નજીકથી પસાર થતી બોલેરો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. મોરબીથી અંજાર પરત જતી બોલેરો કારનું ટાયર ફાટતા બોલેરો કારમાં સવાર નવ લોકોને ઈજા પહોંચી હતી. જેમાં કારમાં સવાર ઈશ્વર બુધા નાયક (ઉ.વ.19), અશ્વિન રણજીત બારિયા, કાળું નાયક (ઉ.વ.20), રાજેશ છ્ત્રક બારિયા (ઉ.વ.24), રમેશ ડામોર (ઉ.વ.20), વિક્રમ રણજીત બારિયા (ઉ.વ.27) અને દિલીપ ડામોર (ઉ.વ.30) એમ સાત મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય બે મુસાફરોને સામાન્ય ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જે ઈજાગ્રસ્તો પૈકી 7 ને સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી ગંભીર ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. કચ્છના અંજારથી મંડપ સર્વિસ અર્થે મોરબીના નાની વાવડી ગામે શ્રમિકો આવ્યા હતા અને કામ પતાવી અંજાર પરત જવા નીકળ્યા ત્યારે અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે મોરબી 108 ની 2 ટીમ તેમજ વઘાસીયા ટોલનાકાની પેરા મેડીકલ ટીમના જનક વાઘેલા સહિતની ટીમ દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...