એક જ ઘરના 8 લોકો ઝૂલતા પુલ પર હતા:પત્ની-પુત્ર અને બેનની લાશ મળી; અન્ય 4ને શોધી રહેલા મોભીનું હૈયાફાટ આક્રંદ, "મારો પરિવાર ક્યાં?"

મોરબીએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા

મોરબીમાં આજે ઝૂલતો પુલ તૂટતાં 400થી 500 લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં 91થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજુ પણ મૃતકોનો આંકડો વધવાની શક્યતા છે. એવામાં આરીફશા નૂરશા શાહમદાર કે જેમના ઘરના 8 લોકો ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા. તેમાંથી તેમના પત્ની અને 5 વર્ષીય દીકરાનો મૃતદેહ મળતાં તેમના માથે આભ ફાટ્યું છે. જ્યારે તેમની દીકરી સહિત પરિવારના 4 લોકો હજુ લાપતા છે. આ કરૂણાંતિકાને પગલે તેમના પરિવાર સહિત સમગ્ર મોરબીમાં માતમ છવાયો છે.

ઘરના 8 લોકો ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા
આરીફશા નૂરશા શાહમદાર મજૂરી કામ કરે છે. તેમના બેન જામનગરથી આવ્યા હતા અને તેઓ ઘરના 8 લોકો મોરબીના ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા. જેમાં તેમના પત્ની દીકરો દીકરી અને ભાભી અને ભત્રીજીનો તેમજ બેન, બેનની દીકરી-દીકરાનો સમાવેશ થાય છે. તેમના પત્ની અને દીકરાનો મૃતદેહ મળ્યો છે, જ્યારે દીકરી લાપતા છે. દીકરી સહીત 4 લોકો હજુ લાપતા છે. 8 પૈકી એક ભાભી જીવિત મળ્યા, જેમને હાથના ભાગે ફ્રેક્ચર થવા પામ્યું છે.

હજુ ઘણા બાળકોના મૃતદેહ મળશે - સ્થાનિક
આ અંગે આરિફશાના મિત્ર મોહસીન માડકીયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આરિફશાના ઘરના 8 લોકો લાપતા હતા. જેમાંથી એમની પત્ની અને પાંચ વર્ષીય દીકરાનો મૃતદેહ મળ્યો છે. એમના બેનનો મૃતદેહ મળ્યો છે. બાકી એમના દીકરી, એમની બેનની દીકરી-દીકરો અને એમના ભાઈની દીકરી લાપતા છે. હજુ 100થી 150 બાળકો નીકળશે એવું મારું માનવું છે. ઘણા નાના બાળકોના મૃતદેહ મળશે. પરિસ્થિતી હમણાં ખૂબ ખરાબ છે. તેમણે સમગ્ર ઘટના અંગે તેમની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મારો એક સવાલ છે કે આ જે પુલ બનાવ્યો એના પર જનારાનો ટાર્ગેટ તો હોવો જોઈએ ને. જો ટાર્ગેટ કરતાં વધુ લોકો જવા દેવામાં આવે તો આ તો બનવાનું જ છે ને.

મોરબી સિવિલ હોસ્પિટલે લોકોનાં ટોળે ટોળાં ઉમટ્યાં
એક પછી એક વારાફરતી એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી રહ્યાં છે. ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનોથી આખી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ દર્દીઓની સારવાર માટે લાગી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...