ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન:મોરબીમાં ભાજપ ઉમેદવાર કાન્તિલાલ અમૃતિયાના મધ્યસ્થ કાર્યાલયનો પૂર્વ મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ

મોરબી3 મહિનો પહેલા

મોરબી બેઠક પરથી ભાજપે ફરી કાન્તિલાલ અમૃતિયાને ટિકિટ આપતા તેઓએ જોરશોરથી પ્રચાર ઝુંબેશ શરુ કરી દીધી છે. આજે શનાળા રોડ પર સરદાર બાગ નજીક મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો.

મોરબીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ
મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ બાદ વિજય રુપાણીએ સભાને સંબોધન કર્યું હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસની વિચારધારા, કામ કરવાની પદ્ધતિની સરખામણી કરી મત આપવા અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ ચુંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી, પરંતુ એક તરફ ગુજરાતને વિકાસની દિશામાં લઇ જનાર છે, તો સામેની સાઈડ ગુજરાતને છિન્ન ભિન્ન કરનાર લોકો છે. એક તરફ ભારત માતાને જગત જનની બનાવવા મથનાર છે, તો સામે ભારત માતાનું નામ વધે નહિ કદી આગળ ન આવે તેવું મથતા લોકો છે. એક તરફ આતંકવાદનો સફાયો કરનાર લોકો છે, તો બીજી તરફ આતંકવાદીઓને જેલમાં બિરયાની ખવડાવનાર લોકો છે. દેશમાં તુષ્ટિકરણ કરનાર લોકો છે, તો બીજી તરફ તુષ્ટિકરણ ખત્મ થાય તે માટે પ્રયાસ કરનાર લોકો છે. એક તરફ રામ મંદિર, કાશી વિશ્વનાથ મંદિરને ભવ્યતા આપવા કામ કરનાર છે, તો બીજી તરફ ભૂતકાળમાં મંદિરો તોડનાર લોકોને મજબુત બનાવવા ચિંતા કરનાર છે. તેઓએ કલમ 370, કાશ્મીર, રામમંદિર સહિતના મુદાઓ ઉઠાવ્યા હતા અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું છે તેમ જણાવ્યું હતું.

સમગ્ર વિશ્વની નજર ગુજરાત ચૂંટણી પર: વિજય રુપાણી
ગુજરાત ચૂંટણીનું મહત્વ કાર્યકરોને સમજાવતા તેઓએ જણાવ્યું હતું કે, આ ચૂંટણી પર સમગ્ર વિશ્વનું ધ્યાન છે. ગુજરાતના પરિણામને આધારે 2024 નક્કી થશે. જેથી કાર્યકરોને કામે લાગી જવા અને જંગી બહુમતીથી ભાજપ ઉમેદવારોને જીતાડવા હાક્લ કરી હતી.​​​​​​​ વધુમાં વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, ભાજપ કાર્યકરો સેવા કાર્યોમાં હમેશા અગ્રેસર રહ્યા છે. મોરબી મચ્છુ ડેમ હોનારત હોય કે પછી તાજેતરની પુલ દુર્ઘટનામાં ભાજપ કાર્યકરો તુરંત લોકોની મદદે દોડી ગયા હતા.

વિજય રુપાણીની જીભ લપસી
​​​​​​​
વિજય રુપાણીએ સભાને સંબોધન કરતી વેળાએ ભૂલ કરી હતી. તેમની જીભ લપસી હોય તેમ લાગ્યું હતું. તેઓ કોંગ્રેસ મુક્ત ભારતને બદલે કોંગ્રેસ મુક્ત ભાજપ બોલી ગયા હતા, જોકે બાદમાં તુરંત તેઓએ પોતાની ભૂલ સુધારી હતી.

અન્ય સમાચારો પણ છે...