મોરબીના ટીંબડી ગામના પાટિયા નજીક ટ્રક કન્ટેનરના ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈકચાલક 38 વર્ષના આધેડનું મોત થયું હતું. તો અકસ્માત બાદ વાહન ઘટનાસ્થળે મૂકી ચાલક ફરાર થયો હતો. જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. તો બીજા બનાવમાં ટંકારાના સજનપર ગામે 19 વર્ષની પરિણીતાએ દવા પી આયખું ટુંકાવ્યું છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટીંબડી પાટિયા નજીક રહેતા રાકેશ રામુભાઈ ચૌહાણે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરિયાદી રાકેશના પિતા રામુભાઈ ભંગડાભાઈ (ઉ.વ.38) વાળા પોતાનું બાઈક લઈને ટીંબડી પાટિયા નજીકથી જતા હતા. ત્યારે રોડ ક્રોસ કરતી વેળાએ ટ્રક કન્ટેનરના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક રામુ ચૌહાણને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક કન્ટેનર બનાવ સ્થળે મૂકી ચાલક નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ સજનપર ગામમાં વાડીએ રહીને કામ કરતા રસીલા દશરથભાઈ ભાખડા (ઉ.વ.19) નામની આદિવાસી પરિણીતાએ વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા 108 મારફત ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને પરિણીતાને મૃત જાહેર કરી હતી. મૃતક પરિણીતાનો લગ્નગાળો આઠ માસનો હોવાનું અને તે નિસંતાન હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી. બનાવની નોંધ કરી વધુ તપાસ ટંકારા પીએસઆઈએ ચલાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.