ભાયાવદરમાં નગરપાલિકા ઘરની ધોરાજી ચલાવતી હોય તે પ્રમાણે શહેરની પ્રજા ઉપર ભારે ગટર વેરો બેસાડી દેવામાં આવતા ભાયાવદરની શાંત પ્રજામાં રોષની લાગણી પ્રસરી જવા પામી હતી.ભાયાવદરમાં આજથી 8 વર્ષ પહેલા ભારે વિરોધ વચ્ચે 17 કરોડ 11 લાખના ખર્ચે શહેરમાં વિકાસના ભાગ રૂપે એક ભૃગર્ભ ગટર બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
અને તે ગટરના 100 ટકા કામમાંથી માંડ 80 ટકા કામ થયું છે, અને હજી 20 ટકા કામ બાકી છે ત્યારે ઓચિંતા નગરપાલિકાએ ઓક્ટોબર 2022 23ના વર્ષ માટેનું બિલ જે આવે તેમાં કોમર્શિયલ 375/-રૂપિયા અને રહેઠાણ પર 225/-રૂપિયા જેવો ભારે ગટર વેરો નાખી દીધો હતો, ત્યારે આ ભૃગર્ભ ગટરના વેરા સાથે ઘણાં બધા દુકાનો અને મકાનો ધરાવતા લોકોને કોઈ લેવા દેવા નથી, કેમકે તેમને હજુ જોડાણ જ અપાયું નથી. આથી પ્રજામાં રોષની લાગણી ફરી વળી છે. બીજી તરફ શહેરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પાલિકાના સરવેનું કામ લોકો કરી રહ્યા છે. આ રીતે પાલિકાને જાણ થઇ જાય કે કેટલા જોડાણ આપવાના બાકી છે!
જે લોકો અરજી કરશે તેમને વેરો બાદ કરી દેવાશે
અમારી વેરા સિસ્ટમ હવે ઓનલાઇન થઇ જવા પામી છે અને તેના લીધે આ બન્યું છે. જેમને જોડાણ નથી અપાયા તેમને આ વેરા સાથે લાગતું વળગતું નથી, આથી તે લોકો પાલિકા કચેરીએ આવીને સાદી અરજી આપી જશે એટલે તેમને ગટર વેરાની રકમ બાદ કરી આપવામાં આવશે અને તેમના પર લાદવામાં આવેલો બોજો રહેવા નહીં દેવાય. - આર.સી. દવે, ચીફ ઓફિસર, ભાયાવદર પાલિકા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.