ઋણાનુંબંધ શતાબ્દી મહોત્સવ:મોરબીના બીલીયા ગામે શાળાના સો વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવણી; ગામના યુવાનોએ 100 બોટલ રક્ત એકત્ર કર્યું

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીની બિલિયા શાળાને સો વર્ષ પૂર્ણ થતાં ગામના સોશિયલ ગ્રુપ, શાળા પરિવાર અને સમસ્ત ગામ દ્વારા સાંજના 4.00 વાગ્યાથી રાત્રીના 11.00 વાગ્યા સુધી ઋણાનુંબંધ મહોત્સવ યોજાયો હતો. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને માનવતાનું મહામુલું કાર્ય એવા રક્તદાન માટે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સમસ્ત ગામના 3000 જેટલા લોકોનું સમૂહ ભોજન જેવા કાર્યક્રમોનું વિશિષ્ટ આયોજન હાથ ધરાયું હતુ.

આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરી સરકારી મહેકમમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકોનું, તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ શાળાના પ્રથમ વિદ્યાર્થી ધરમશીબાપા સાંણદિયા હાલ શતાયુ વર્ષની ઉંમરે હયાત થયા એમનું પણ સન્માન કરાયું હતુ. સાથે આ કાર્યક્રમના દિલેર દાતાઓનું સન્માન કરાયું. ધનજીભાઈ કાવર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને હાઈજિન કીટ અર્પણ કરાઈ હતી.

બિલિયા સોશિયલ ગ્રુપ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રસેવાથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા. આ પ્રસંગે ગામના સરપંચ કાંતિલાલ પેથાપરાએ સૌનું શાબ્દીક અભિવાદન કર્યું હતુ. પ્રાસંગિક ઉદબોધન ચતુરભાઈ કાવરે કર્યું હતું. આ કાર્યક્રમમાં નકલંકધામ બગથળાના સંત દામજી ભગત અને કબીરધામના સંત મહા મંડલેશ્વર શિવરામદાસજી સાહેબ આશિર્વચન પાઠવતા જણાવ્યું કે, જીવનમાં શિક્ષણનું ખુબજ મહત્વ છે, જીવનમાં શિક્ષકનું ગુરૂનું ખુબજ મહત્વ છે, શિક્ષક જ બાળકનું ઘડતર કરે છે. બંને સંતોએ શાળા અને સમસ્ત ગ્રામજનોને ઋણાનુબંધ કાર્યક્રમનું આયોજન કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા.

વધુમાં શિવરામદાસજીએ શાળાના વર્તમાન આચાર્ય કિરણભાઈ કાચરોલા અને તમામ શિક્ષકોને આવો સુંદર વિચાર આવ્યો અને અમલમાં મુક્યોએ બદલ અભિનંદન પાઠવ્યા. તો આ કાર્યક્રમનો લાભ સમસ્ત બિલિયાવાસીઓ તેમજ બિલિયા ગામની બહાર મોરબી કે અન્ય શહેરોમાં વસવાટ કરતા સૌ લોકોએ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર તેમજ બિલિયા સોશિયલ ગ્રુપના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ સાંણદિયા અને ગૌતમભાઈ ગોધવીયાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...