કાર્યવાહી:મોરબીની પુલ દુર્ઘટનામાં જામીન સુનાવણી 23મીએ

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક આરોપીની અરજી પર આજે કાર્યવાહી

મોરબી સહિત દેશભરમાં ચર્ચિત ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા 9 આરોપી પૈકી 8 આરોપીએ મોરબી કોર્ટમાં જામીન અરજી કરી હતી જેનાં પર આજે તા. 21ના રોજ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી અને આજે બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે વધુ સુનાવણી તા.23 નવેમ્બર પર મુલતવી રાખી છે.

પોલીસ તરફે સરકારી વકીલ વિજય જાની તેમજ આરોપી તરફથી તેમના વકિલ દ્વારા દલીલ કરવામાં આવી હતી, જેમાં સરકારી વકીલ વિજય જાની દ્વારા આરોપીની જામીન અરજી પર વાંધો ઉઠાવાયો હતો અને દલીલમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગયા છે. આ કેસ અત્યંત ગંભીર હોય પોલીસ આ કેસમાં ઊંડાણ પૂર્વક તપાસ ચલાવી રહી છે, અને કેસમાં હજુ મહત્વના પુરાવાઓ પણ એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

જો આરોપીઓને જામીન મળશે તો તપાસમાં તેની અસર પડશે જેથી તેમની અરજી નામંજૂર કરવામાં આવે.બીજી તરફ બચાવ પક્ષના વકીલ દ્વારા પણ તેમના અસીલની જામીન અરજી મંજૂર કરવા માટે જરૂરી તથ્યો રજૂ કર્યા હતા. બંને પક્ષની દલીલ બાદ મેજિસ્ટ્રેટ દ્વારા જામીન અરજી પર આગામી સુનાવણીની આગામી તારીખ 23 મુકરર કરી હતી અને હવે 23મીએ આ અંગે મેજિસ્ટ્રેટ તેમનો નિર્ણય સંભળાવશે. એક આરોપીની જામીન અરજીની આજે સુનાવણી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...