આક્ષેપ:આટકોટ ગ્રામપંચાયત કચેરીનો ભંગાર વેચી મારવાની પેરવી!

આટકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભંગાર ચોરીનું પગેરું દબાયાની જાણ થતા કોઇ ભંગારની રિક્ષા પરત મૂકી ગયુ. - Divya Bhaskar
ભંગાર ચોરીનું પગેરું દબાયાની જાણ થતા કોઇ ભંગારની રિક્ષા પરત મૂકી ગયુ.
  • નોટિસ આપ્યા વગર ભંગાર ભરીને રિક્ષા નીકળવા લાગી હતી
  • CCTV કેમેરા બંધ હાલતમાં હોઇ તેનો લાભ ઉઠાવ્યાનો આક્ષેપ

આટકોટની ગ્રામ પંચાયત કચેરીમાં રાખવામાં આવેલા ભંગારને કોઇ પણ જાતની વહીવટી પ્રક્રિયા કર્યા વગર વેચી રોકડી કરી લેવાની પેરવી શરૂ થયાની જાણ થતાં અને કચેરીના પટાંગણમાંથી જ ભંગાર ભરેલી રીક્ષા નિકળવા લાગતાં જાગૃત નાગરિક અને ગ્રામ પંચાયતના પૂર્વ સભ્યોએ આ બાબતે વહીવટદાર, ટીડીઓ અને તલાટી મંત્રી સહિતોનું ધ્યાન દોર્યું હતું અને ક્યાંયથી કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો, આથી સંબંધિતોએ પંચાયત કચેરીના બંધ રહેલા સીસીટીવી કેમેરાનો લાભ ઉઠાવી મિલિભગતથી રોકડા ખિસ્સામાં સેરવી લેવાની ગતિવિધિ શરૂ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું અને અંતે જેમનો પણ આ સમગ્ર ષડયંત્રમાં હાથ હતો તેમણે ભંગાર પાછો મૂકી દેવાની ચેષ્ટા કરવી પડી હતી.

જો કે આ બાબતે ન્યાયી તપાસ થાય તો સત્ય સામે આવે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.ગ્રામ પંચાયતમાં હાલમાં વહીવટદારનું શાસન છે અને પંચાયત કચેરીમાં જે ભંગાર પડ્યો છે તેને બારોબાર વેચી મારી રોકડી કરી લેવાની હિલચાલ શરૂ થઇ હતી. આ બાબતની જાણ ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય અને જાગૃત નાગરિક વિજય ધમલ અને હીરેનભાઇને થઇ હતી. આથી બન્નેએ ગ્રામ પંચાયત કચેરીમાં સંબંધિતોનો સંપર્ક કરી શાબ્દિક પ્રહારો કર્યા હતા, અને તેમાં કોઇ સંતોષકારક જવાબ ન મળતાં ભંગાર વેચી રોકડી કરી લેવાનું કારસ્તાન ખુલ્યું હતું, અને અમુક લોકો કૌભાંડ ખુલ્લું પાડવા સક્રિય બન્યા હોવાની જાણ થતાં જ ભંગાર ભરેલી રીક્ષા પાછી પંચાયત કચેરીમાં પણ આવી ગઇ હતી.

આ અંગે આગેવાનોએ જણાવ્યું હતું કે અમે આ અંગે વહીવટદાર, તલાટી મંત્રી અને ટીડીઓ એમ ત્રણેનું ધ્યાન દોર્યું હતું પરંતુ ક્યાંયથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો. પંચાયત કચેરીના સીસીટીવી કેમેરા છેલ્લા ઘણા સમયથી બંધ છે ત્યારે આનો લાભ લઇ અમુક લોકોએ સાથે મળી રોકડી કરી લેવાની પેરવી કરી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.

બન્ને નાગરિકોએ વધુમાં ઉમેર્યું હતું કે અમે ટીડીઓને પણ જાણ કરી હતી પરંતુ તેમણે તો ફોન ઉપાડવાની પણ તસદી લીધી નથી. આના પરથી એક બાબત સામે આવી છે કે આ ભંગાર બધાએ સાથે મળીને વેચી જ નાખવો હતો અને રોકડી કરીને ખિસ્સાં ભરી લેવા હતા, દીવાળી સુધારી લેવી હતી પરંતુ એવું બન્યું નહીં એટલે એકબીજાને ખો અપાઇ રહી છે.

મને કશી ખબર નથી
મને વિજય ધમલ અને હિરેનભાઇએ આ અંગે પૃચ્છા કરી હતી, પરંતુ મને આ વિશે કશી જ ખબર નથી. સામાન્ય રીતે ભંગાર વેચવાનો હોય ત્યારે પહેલાં નોટિસ આપવાની હોય છે અને ત્યાર પછી જ કાર્યવાહી થતી હોય છે. હું આ બાબતે તપાસ કરીશ. - દીપક ચાવડા, વહીવટદાર, આટકોટ

ભંગાર જોખવા મોકલ્યો હતો
કચેરીમાં ભંગાર પડ્યો હતો અને તેના નિકાલની કામગીરી શરૂ કરવાની થતી હોય તેની કેટલી રકમ આવી શકે તે જાણવા માટે થઇને અમે તો ભંગાર જોખવા માટે મોકલ્યો હતો. જો કે ભંગાર જોખતાં બે દિવસ થાય? તેવા તમારા સવાલનો જવાબ મારી પાસે નથી. - નિલેષ રાજપરા, તલાટી મંત્રી

ન્યાયી તપાસની માગણી
એક તો કચેરીના સીસીટીવી કેમેરા બંધ છે અને આ તકનો લાભ લઇ અમુક લોકો ગેરકાનૂની કૃત્યોને અંજામ આપે છે ત્યારે આ ભંગાર ભરવામાં અને વેચવાની પેરવી કરવામાં કોણ કોણ સામેલ છે તેની ન્યાયી તપાસ થવી જોઇએ. ભંગાર વેચવાનો છે તેવી નોટીસ આપ્યા વગર જ રીક્ષા ભરીને નીકળી જાય અને ઉચ્ચ અધિકારીઓને ખબર ન હોય તેવું તો કેમ બને? આથી આ કૌભાંડમાં જે કોઇ સામેલ હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી અમારી માગણી છે તેમ બન્ને જાગૃત નાગરિકોએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...