કરુણાંતિકા:આશાપુરા માતાના મઢ પગપાળા જતા પરિવાર પર ટ્રક કાળ બનીને ત્રાટકી, માતા પુત્રનાં મોત

મોરબી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માળિયા-કચ્છ હાઈવે પર કરુણાંતિકા | પતિની નજર સામે પત્ની અને પુત્રે વિદાય લીધી
  • ​​​​​​​બનાવ બાદ ટ્રક પલટી રોડની સાઈડમાં ખાબકી: ચાલકની ધરપકડ કરવા તજવીજ

માળીયા કચ્છ હાઇવે પર શનિવારે સવારે 11 વાગ્યે કચ્છ તરફ જતો ટ્રક અચાનક બેકાબુ બન્યો હતો અને માતાના મઢે જતા પતિ પત્ની અને તેના 4 વર્ષના પુત્ર પર કાળ બની ત્રાટક્યો હતો.બનાવમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે પિતા પુત્રને પ્રથમ મોરબી બાદ રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં 4 વર્ષના બાળકનું પણ મોત નિપજ્યું હતું.બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના ધરમનગર(નવગામમાં રહેતા) અને મજુરી કામ કરતા હરપાલભાઈ મેરુભાઈ ધમેચા તેના પત્ની કૈલાશબેન પુત્ર ધાર્મિક ચાલીને માતાના મઢે જતા હતા અને માળીયા કચ્છ હાઈવે પર આવેલ શહેનશાહ વાળીના પાટિયા પાસે પહોંચ્યા હતા તે દરમિયાન પાછળથી આવેલ જીજે 12 બીવી 6387 નમ્બરનો ટ્રક બેકાબુ બન્યો હતો. અચાનક માતાના દર્શન જવાની આશાએ ઘરેથી નીકળેલા આ પરિવારને ક્યાં કઇ ખબર હતી કે તેઓ માતાના મઢ નહીં ,પરંતુ ક્યાં પહોંચશે. ચાલકે કોઇ કારણોસર કાબુ ગુમાવતાં ટ્રક પલટી મારી ગયો હતો.

જેમાં આખો પરીવાર દબાઈ ગયો હતો. અને હરપાલભાઈની નજર સામે જ કૈલાસબેનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે માસૂમ પુત્ર ધાર્મિક અને હરપાલભાઈને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં માળીયા મિયાણા પોલીસની ટીમ અને નજીકના ટોલટેક્સની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પિતા પુત્રની તબિયત વધુ લથડતા રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.રાજકોટ સિવિલમાં 4 વર્ષના ધાર્મિકનું પણ મોત નિપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ચાલકની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...