• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • As Soon As The Governor's Program In Morbi Was Over, People Ran With Plates, Queuing Up For Hours As The Order Was Disrupted.

ભોજન માટે ભાગદોડ:હળવદમાં રાજ્યપાલનો કાર્યક્રમ પૂરો થયો ને લોકો ડિશ લઈને દોડ્યા, ભીડ વધી જતાં વ્યવસ્થા ખોરવાઈ

મોરબી18 દિવસ પહેલા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો અને ખેડૂતો એકઠા થયા હતા. જ્યારે આયોજનના અંતે લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે કાર્યક્રમનો અંત થયો અને તરત જ લોકોએ ભોજન પંડાલ તરફ દોટ મૂકી હતી અને લોકોનાં ટોળા ભોજન પર તૂટી પડ્યાં હતાં. જમવા માટે લોકોની પડાપડીથી ભોજન કાઉન્ટર બંધ કરી દેવાં પડ્યાં અને થાળીઓને હટાવી દેવામાં આવી હતી. ભોજન માટે કરવામાં આવેલી વ્યવસ્થાને મુશ્કેલી પડી હતી તો ધક્કે ચડેલા લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું.

શું કહ્યું આચાર્ય દેવવ્રતજીએ?
કાર્યક્રમમાં આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, જેમ ગુજરાત સમગ્ર દેશ માટે વિકાસ મોડલ બન્યું છે. તેમ હવે ગુજરાત પ્રાકૃતિક ખેતી માટે પણ સમગ્ર દેશ -દુનિયા માટે મોડલ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનો પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે અભિયાનની શરૂઆત કરી છે, જે હેઠળ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રત્યેક પંચાયતમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા અનુરોધ કર્યો છે. ત્યારે હવે આગામી વર્ષની 15મી ઓગસ્ટ એવો દિવસ હશે. જ્યારે તમામ પંચાયતમાં 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હશે.

મહાનુભાવોના હસ્તે પુસ્તકનું વિમોચન
આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રાકૃતિક કૃષિને હંમેશાં પ્રાધાન્ય આપે છે. મોરબી પણ આ ક્ષેત્રે નોંધનીય કામગીરી કરી શકે તે માટે રાજ્યપાલ સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહે છે. તેમજ રાજ્યપાલ સહિતના મહાનુભાવોના હસ્તે "પ્રાકૃત્તિક કૃષિ - સાફલ્ય ગાથા" પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી વિશે આપી સમજ
હળવદ ખાતે પ્રાકૃતિક ખેતી બાબતે ખેડૂતોને સીધા સંબોધન માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોને વળવા માટે આહ્વાન કરતા જણાવ્યું હતું કે, મોરબી દયાનંદ સરસ્વતી જેવા ધર્મ તથા સંસ્કૃતિના મહાનાયકની ભૂમિ રહી છે. ત્યારે અહીંના ખેડૂતો પણ પ્રકૃતિના સંવર્ધનમાં પ્રાકૃતિક ખેતીને અપનાવી દરેક ખેડૂત ઉન્નત બને તેવા સરકાર પ્રયાસો કરી રહી છે. તે માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે સમજ પૂરી પાડવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે લોકોની પડાપડી
આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જેથી સરકારના અભિયાનના લાભ સાથે લોકો ભોજનનો પણ લાભ લઈ શકે. પરંતુ જેવો કાર્યક્રમનો અંત થયોને લોકોએ તરત જ ભોજન પંડાલ તરફ દોટ મૂકી અને ભોજન પર તૂટી પડ્યા. ક્ષણભરમાં ભોજન માટે કીડીઓની જેમ માનવ મહેરામણ ઊમટી પડ્યું. અને લોકો ભોજન માટે પડાપડી કરવા લાગ્યા. જમવા માટે લોકોની લાંબી કતારોથી અને લોકોની પડાપડીથી ભોજન કાઉન્ટર જ બંધ કરી દેવા પડ્યા અને કાઉન્ટર પરથી થાળીઓને હટાવી દેવામાં આવી હતી. જાણે ભોજન માટે કરવામાં આવેલી વ્યવસ્થાને મુશ્કેલી પડી હતી તેવું લાગી રહ્યું હતું, તો ધક્કે ચડેલા લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...