નીતિન પટેલની જાહેરાત:મોરબીમાં 100 બેઠક સાથેની મેડિકલ કોલેજને મંજૂરી, ચાલુ વર્ષથી કોલેજ શરૂ થશે

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું છેકે, મોરબીમાં નવી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. ચાલુ વર્ષે જ 100 બેઠકની મંજૂરી સાથે આ મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. જેનો ફાયદો મોરબી જિલ્લા ઉપરાંત તેની આસપાસના વિદ્યાર્થીઓ કે જે મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છે છે તેમને ફાયદો થશે.

ભારત સરકારે આજે જ મંજૂરી આપી
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર તરફથી મોરબીમાં ભારત સરકારના સહયોગથી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ શરૂ થાય એ માટે પરવાનગી માગી હતી. ભારત સરકારના આરોગ્ય મંત્રી હર્ષવર્ધનને પણ મે ફોન પર અને પત્રથી વિનંતી કરી હતી કે મોરબી અમારું એક ઔદ્યોગિક મથક છે. એક અગત્યનું સૌરાષ્ટ્રનું શહેર છે. જો ત્યાં મેડિકલ કોલેજ મંજૂર કરે તો ગુજરાત અને ભારત સરકાર બન્ને સાથે મળીને ગ્રાન્ટ આપવાની જે પેટર્ન છે એ પેટર્ન પ્રમાણે મેડિકલ કોલેજ અમે શરૂ કરવા માટે તૈયાર છીએ. આજે જ ભારત સરકારે ઓફિશિયલી પત્ર લખી મોરબીમાં આ વર્ષથી જ નવી 100 સીટ સાથેની મેડિકલ કોલેજની મંજૂરી આપી છે.

મેડિકલ ઈન્ટર્ન્સની હડતાળ ગેરકાયદે, પાછી નહીં ખેંચે તો પગલાં લેવાશેઃ નીતિન પટેલ
રાજ્યમાં હાલમાં સરકારી હોસ્પિટલોના ઈન્ટર્ન ડૉક્ટરો વધારે સ્ટાઈપેન્ડ મેળવવા મુદ્દે હડતાળ પર ઉતર્યાં છે. છેલ્લા આઠ મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા આ ઈન્ટર્ન ડૉક્ટરોની માંગ છે કે હાલમાં તેમને 12 હજાર 800 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળે છે. જે દેશનાં બીજા રાજ્યો કરતાં ઓછું છે. જેથી હવે તેમને 20 હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે. આ હડતાળ મુદ્દે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ તેમજ આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે મેડિકલ ઈન્ટર્ન્સની હડતાળ ગેરકાયદેસર છે. તેઓ હડતાળ પાછી નહીં ખેંચે તો આવતીકાલથી તેમની ગેરહાજરી પૂરવામાં આવશે અને ગેરહાજર રહેશે તેમને PGમાં એડમિશન નહીં મળે.

અન્ય સમાચારો પણ છે...