પોલીસ નિદ્રાધીન:ચોરોના આંટાફેરા, લોકોના ઉજાગરા, ‘ખાખી’નીતિના ધજાગરા

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્રિષ્ના ગેસ એજન્સી તેમજ ઉમિયા કિરાણા સ્ટોરમાં ચોરી. - Divya Bhaskar
ક્રિષ્ના ગેસ એજન્સી તેમજ ઉમિયા કિરાણા સ્ટોરમાં ચોરી.
  • મોરબી જિલ્લામાં સવા મહિનાથી ઘરફોડી અને વાહનચોરીની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો છતાં ચોપડે 40 દિવસમાં નોંધાઇ છે માત્ર 9 જ ફરિયાદ
  • જાનમાલની સુરક્ષાની જવાબદારી પ્રજાની ન હોવા છતાં લોકો કરે છે ચોકી પહેરો: વાંકાનેર અને ચરાડવાની ઘટના પછી પણ પોલીસ નિદ્રાધીન

મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન ચોરી અને ઘરફોડીની ઘટના વધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રાત્રી ઉજાગરા કરવા પડી રહ્યા હોવા છતાં પોલીસે ઉચ્ચ કક્ષાએ સબ સલામત દેખાડવા છેલ્લા 40 દિવસમાં માત્ર 9 જ ઘરફોડીની ઘટના નોંધી છે જ્યારે એક ઘટના ઉકેલાઈ ગઇ હોવાનું જણાવ્યું હતું.

મોરબી જિલ્લામાં જાણે પોલીસનું અસ્તિવ જ ન રહ્યું હોય તેમ તસ્કરો બેફામ બન્યા છે. હળવદ હોય કે માળીયા મોરબી હોય કે વાંકાનેર તમામ પોલીસ મથક વિસ્તારમાં ઘરફોડી તેમજ વાહન ચોરીના બનાવમાં જબરો ઉછાળો આવ્યો છે. હળવદ પંથકમાં તો દર બે દિવસે કોઇ નવા ગામમાં તસ્કરો આવ્યા હોવાનું સામે આવે છે. તો માળીયા અને મોરબી પંથકમાં પણ ઘરફોડીના અલગ અલગ બનાવ બન્યા છે.

લોકો રાત્રી ઉજાગરા કરીને પણ પોતાની માલ મિલકત બચાવવા મથી રહ્યા હોવા છતાં જાણે મોરબી જિલ્લા પોલીસ ઉચ્ચ કક્ષાએ સબ સલામત હોય તેમ ફરિયાદ લેવામાં પણ કંજુસાઈ કરી રહી હોવાનું સામે આવ્યું છે જ્યારે પણ એક સાથે બે કે તેથી વધુ લોકોના ઘરમાં ચોરી થાય તો એક જ કોમન ફરિયાદ લઈ લે છે તો જે ઘરમાં માત્ર ચોરીનો પ્રયાસ થયો હોય અને ચોરી ન થઈ હોય તો તેમની એફઆઈઆર લેવાના બદલે માત્ર અરજી લઇ લેવામાં આવતી હોય છે જેના કારણે સમગ્ર જિલ્લામાં દર બે ત્રણ દિવસે અલગ અલગ સ્થળે ઘરફોડીની ઘટના બની હોવા છતાં મર્યાદિત ફરિયાદો દેખાઈ રહી છે.

જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દોઢ મહિના માત્ર 9 જેટલી ઘરફોડીની ઘટના જ નોંધાઇ છે અને તેમાં પણ જૂન મહિનામાં માત્ર 2 જ ફરિયાદ હળવદ પંથકમાં નોંધાઇ છે. જ્યારે મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ચોરીનો એક ગુનો ઉકેલાયો હતો.

મોરબીના રાજપર રોડ પર એક સાથે બે દુકાનમાં ચોરી
મોરબીના રાજપર પર વધુ એક ચોરીની ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો હતો. શુક્રવારે મોડી રાત્રે રાજપર રોડ પર આવેલા ક્રિષ્ના ગેસ એજન્સી તેમજ ઉમિયા કિરાણા સ્ટોર એમ બે દુકાનના તાળા તોડ્યા હતા અને ક્રિષ્ના ગેસ એજન્સીમાંથી રૂ 1.40 લાખ જેટલા રોકડ તેમજ ઉમિયા કિરાણા સ્ટોર માંથી રૂ 20 હજાર જેટલી કિમતનો તેલ, કપડાં સહિત કરીયાણાના સામાન ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જો કે ચોરીની આ ઘટનામા દુકાનદારોની પણ ગંભીર બેદરકારી સામે આવી છે. મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા કામના સ્થળે સીસીટીવી ફુટેજ રાખવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હોવા છતાં પણ જે સ્થળે ચોરી થઈ ત્યાં એક પણ દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. આ બેદરકારીના કારણે ચોરીની ઘટના કોણે અંજામ આપ્યો હતો તે જોઇ શકાતું નથી.

ચરાડવા, વાંકાનેરમાં લોકોએ જ ચોરોને પકડ્યાની ઘટના તાજી જ છે!
હળવદ સહિત જિલ્લાભરમાં ચોરીની ઘટના વધતા લોકોએ પોતાના માલ મિલકતનું રક્ષણ કરવા રાત ઉજાગરા શરૂ કર્યા અને ચરાડવામાં ચોરી કરવા આવેલા 2 શખ્સ તેમજ વાંકાનેરના સરતાન પરમાં ચોરીના ઇરાદે ગામમાં ઘૂસેલા ત્રણ શખ્સને ઝડપી પોલીસ હવાલે કર્યા હતા, આટલું થવા છતાં પોલીસે આળસ ત્યજવાને બદલે હજુ જાળવી રાખી છે અને મોરબીમાં વધુ બે ચોરીના બનાવ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...