તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કોરોનાની બીજી લહેરે સિરામિક ઉદ્યોગની ગતિને બ્રેક મારી, મોરબીમાં વોલ ટાઇલ્સના 300 કારખાના મહિનાઓથી બંધ

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિરામિક ફેકટરી બંધ થતા હજારો મજૂરે વતનની વાટ પકડી - Divya Bhaskar
સિરામિક ફેકટરી બંધ થતા હજારો મજૂરે વતનની વાટ પકડી
  • દેશના અનેક રાજ્યમાં લોકડાઉનથી ડોમેસ્ટિક વેચાણ ઠપ લોકડાઉન લંબાતા હજુ પણ અનેક યુનિટ બંધ થશે, ગેસના વપરાશમાં 40 ટકાનો ઘટાડો

સિરામિક સિટી મોરબીને કોરોનાની આ બીજી લહેર ફરી એકવાર વિલન બની હોય તેમ લાગી રહ્યું છે. માર્ચથી મે મહિના દરમિયાન દેશભરમાં જે રીતે કોરોનાનું સંક્રમણ ફેલાયું તેના કારણે અનેક રાજ્યોએ લોકડાઉન લાગુ કર્યું હતું આ લોકડાઉન લંબાવવામાં આવતા ડોમેસ્ટિક વેચાણમાં મોટા પાયે ખાધ પડી છે. અનેક સિરામિક ફેકટરીમાં માલનો ભરાવો થઈ ગયો હતો. ફેકટરીમાં નવો માલ રાખવાની જગ્યા ખૂટી પડી છે. બીજી તરફ તૈયાર માલનું વેચાણ ન થવાને કારણે આવક પણ બંધ થઈ ચૂકી છે.

એક્સપોર્ટમાં પણ હજુ વૈશ્વિક બજાર એટલી હદે ખુલી નથી શક્યું કે બજારમાં આ તૈયાર માલ ઠલાવી શકાય કોરોનાની બીજી લેહરના કારણે સિરામિક સિટીની 300થી 350 જેટલી ફેકટરી બંધ પડી છે અને હજુ ક્યારે શરૂ થાય તેના સંકેત જોવા મળતા નથી. કોરોના સંક્રમણને પગલે દિલ્હી, મુંબઈ સહિતના અન્ય રાજ્યોમાં લોકડાઉન લંબાતા હજુ પણ અનેક યુનિટો બંધ થવાની તૈયારીમાં છે. બીજી તરફ એક પછી એક સિરામિક યુનિટ બંધ થઇ રહ્યા હોય ગેસનો વપરાશ 40 ટકા કરતા પણ વધુ ઘટી જવા પામ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

નોટબંધી, જીએસટી બાદ મોરબીના સિરામિક ઉદ્યોગની ગાડી માંડ પાટે ચડી છે ત્યારે કોરોનાની પ્રથમ લહેર બાદ દેશ વિદેશમાંથી સિરામિક ટાઇલ્સ અને સેનેટરીવેર્સ પ્રોડક્ટની ભારે ડિમાન્ડ નીકળતા સિરામિક ઉદ્યોગની ગાડી પૂર જોશમાં દોડવા લાગી હતી, પરંતુ કોરોનાની બીજી લહેરમાં દેશભરમાં લોકડાઉન થતા હાલમાં સિરામિક ઉદ્યોગમાં કોરોના ગ્રહણ નડ્યું છે અને ડોમેસ્ટિક ડિમાન્ડ તળિયે પહોંચી જતા એક મહિના પહેલા 100 જેટલા કારખાના બંધ થયા બાદ ચાલુ માસે 300થી વધુ એકમમાં પ્રોડક્શન સદંતર બંધ થઇ ગયુ છે.

તૈયાર માલનું વેચાણ ન થતા હજુ પણ ફેકટરી બંધ થવાની સંભાવના
કોરોનાની બીજી લહેર બાદ હાલમાં સિરિમિક પ્રોડક્ટમાં ડિમાન્ડ નહિવત થઇ જતા મોટાભાગના સિરામિક એકમોમાં પ્રોડકશનમાં કાપ લાદી દેવામાં આવ્યો છે, અને 40 ટકા જેટલા સિરામિક એકમો હાલમાં બંધ થઇ ગયા છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, દિલ્હી, બંગાળ અને સાઉથના અનેક રાજ્યોમાં લોકડાઉન લંબાતા ડોમેસ્ટિક માર્કેટમાં વ્યાપાર સદંતર બંધ થઇ ગયો છે. જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો હજુ પણ અનેક યુનિટો બંધ થઇ જાય તેવી સંભાવના છે. - મુકેશભાઈ કુંડારિયા, પ્રમુખ, સિરામિક એસોશિએશન, મોરબી

ડોમેસ્ટિક વેચાણ સાવ બંધ, હવે માત્ર એક્સપોર્ટ પર જ આધાર
કોરોના મહામારીને પગલે હાલમાં માત્ર એક્સપોર્ટ ઓર્ડર માટે જ કામ ચાલી રહ્યું છે. વોલ ટાઇલ્સ અને ડબલ ચાર્જમાં 40 ટકાથી વધુ એકમો બંધ થયા છે અને માત્ર જીવીટી, પીજીવીટીના એકમ જ ચાલુ છે. સિરામિક એકમો બંધ થવાથી ગેસની ખપત પણ ચાલુ માસે 40થી 45 ટકા ઘટી ગઈ છે. સામાન્ય સંજોગોમાં 76 લાખથી વધુના ગેસ બિલ સામે ચાલુ માસે 43 લાખ જ બિલ આવે છે. - મુકેશભાઈ ઊંઘરેજા,ઉદ્યોગપતિ, સિરામિક એકમ

અન્ય સમાચારો પણ છે...