કાઉન્ટ ડાઉન શરૂ:મોરબીના શનાળા પાસે આધુનિક મેડિકલ કોલેજ માટે વધુ 25 વીઘા જમીન ફાળવાઇ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 50 વીઘા જમીન અપાઇ હતી, ટૂંક સમયમાં ખાતમુહૂર્ત

મોરબી જિલ્લામાં લાંબા સમયથી એક સરકારી મેડિકલ કોલેજ ફાળવવામાં આવે તેવી વર્ષો જૂની માંગ સંતોષાઇ છે અને મોરબીવાસીઓના લાંબા સંઘર્ષ બાદ હવે મેડિકલ કોલેજની શરૂઆત થવા જઈ રહી છે જેમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા સહિત સ્થાનિક અગ્રણીઓના સતત પ્રયત્નો તથા મોરબી વહીવટીતંત્રની કાર્યશીલતાને સફળતા મળી છે.

એક સમય એવો આવ્યો હતો કે મોરબી જિલ્લાને ફાળવાયેલી આ મેડિકલ કોલેજ તાપી જિલ્લાને ફાળવી દેવાઇ હતી અને મોરબીને બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ આપવાની સરકારની ગણતરી હતી પરંતુ સ્થાનિક નેતાગીરીની સજાગતાના લીધે સરકારે નિર્ણય બદલવો પડ્યો હતો અને મોરબીને જ આ મેડિકલ કોલેજ આપવાની જાહેરાત કરવી પડી હતી અને તેનું કામ પણ આરંભી દેવાયું છે અને ઓક્ટોબરથી કામચલાઉ કોલેજમાં શૈક્ષણિક કાર્ય પણ આરંભી દેવાની તૈયારીઓ આટોપી લેવાઇ છે.

રાજય સરકારની સૂચનાથી જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) દ્વારા ચાલુ વર્ષ જ નવું સત્ર શરૂ કરી શકાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં ગિબ્સન સ્કૂલ ખાતે કામચલાઉ ધોરણે મેડિકલ કોલેજ ધમધમતી થશે.

બીજી તરફ શનાળા રોડ પર લાંબા સમય પહેલા જ જિલ્લા કલેક્ટર દ્વારા શનાળા પાસે નવી આધુનિક મેડિકલ કોલેજ ના જ નિર્માણ માટે 50 વિઘા જમીન ફાળવવામાં આવી હતી. જેના પર મોરબી મેડિકલ કોલેજના નવા બિલ્ડીંગનું પણ સંભવિત ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરાશે અને મોરબીમાં રૂ.500 કરોડના ખર્ચે નિર્માણ પામશે મેડિકલ કોલેજનું અદ્યતન ભવન. આ મેડિકલ કોલેજ માટે શરૂઆતમાં 50 વીઘા જમીન ફાળવવામાં આવી હતી.

મંત્રી સહિત સ્થાનિક અગ્રણીઓની સતત રજૂઆતો તથા કાર્યશીલતાના પગલે મોરબી મેડિકલ કોલેજ માટે વધારે 25 વીઘા જમીન ફાળવવામાં આવી છે જેથી 75 વીઘા જમીન મળવાથી મેડિકલ કોલેજના ભવનના વિસ્તૃતિકરણ અને આધુનિકીકરણ માટે વધારે અવકાશ મળી શકશે તેમ રાજય મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું.

ટૂંક સમયમાં મેડિકલ કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત થશે અને બાદમાં તેના બાંધકામ સહિતની કામગીરી શરૂ થશે. મોરબી ખાતે નવીન ટેકનોલોજી તથા અદ્યતન સુવિધાઓ સાથેની મેડિકલ કોલેજનું ભવન બનશે, જેથી મોરબી જિલ્લાના લોકોની સુખાકારીમાં પણ વધારો થશે અને દર્દીઓને રાજકોટ કે જામનગર સુધીનો ધક્કો નહીં થાય અને વિદ્યાર્થીઓને પણ મેડિકલના અભ્યાસ માટે અમદાવાદ કે રાજકોટ કે જામગનર જવું નહીં પડે. નજીકના ભવિષ્યમાં જ આ મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરી કામકાજ શરૂ કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...