આંગડિયા પેઢીનો કર્મચારી એસ.ટી. બસમાં મોરબી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં હોટેલ પર બસ ઊભી રહી ત્યારે અજાણ્યા શખ્સો 62.50 લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો લઈને નાસી છૂટ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રથમથી જ શંકાસ્પદ લાગતી આ ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી છે. અાંગડિયા પેઢીનો કર્મચારી મહાદેવભાઈ વાઘમારે મોરબી ખાતે 62.50 લાખ રોકડનું પાર્સલ આપવા આવી રહ્યા હતા અને માળિયા પાસેની હોટલમાં તેમને બે ગઠિયા ભટકાઇ ગયા હતા. લઘુશંકા કરી તેઓ પરત આવ્યા ત્યારે થેલો ન જોતાં તેમણે આસપાસના લોકોને થેલા વિશે પૂછપરછ કરી હતી.
દરમિયાન આ કર્મચારીને યાદ આવ્યું હતું કે બે શખ્સ કાળું માસ્ક પહેરેલા બે શખ્સ બદલગઢથી ચઢ્યા હતા તે ગાયબ હતા, જેથી તેમના પર જ ચોરી થયાની આશંકા જણાતા તેણે માળિયા મિયાણા પોલીસ મથકમાં અજાણ્યા 2 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ઘટનાની જાણ થતા માળિયા મિયાણા પોલીસ મથકના પીએસઆઈ અને તેની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ ઉપરાંત મોરબી એલસીબી એસઓજી સહિતની ટીમ પણ આવી પહોંચી હતી અને અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. સાથોસાથ મોરબી માળિયા કચ્છ તરફ જામનગર તરફ જતા તેમજ હળવદ તરફ જતા રસ્તા પર નાકાબંધી કરી હતી તેમજ હોટેલ તેમજ આસપાસના અન્ય દુકાનોના સીસીટીવી ફૂટેજની પણ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી.
ફરિયાદી શંકાના દાયરામાં
આંગડીયા પેઢીનો કર્મચારી જે રીતે તેના 62.50 લાખ ભરેલ થેલો અને મોબાઈલ ચોરી થયાની ફરીયાદ લખાવી છે તેમાં પણ શંકા સેવાઈ રહી છે. કારણ કે આટલી મોટી રકમ જે વ્યક્તિ પાસે હોય તે આ રીતે બેદરકારી પૂર્વક થેલો રેઢો છોડે તે વાત વિશ્વાસમાં આવે તેમ નથી. કર્મચારીનો ભૂતકાળના બેકગ્રાઉન્ડ અને આર્થિક વ્યવહાર તેમજ તેની અન્ય હરકતો પર યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો કદાચ ખુદ ફરિયાદી પણ આરોપી નીકળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.