ખાતમૂહુર્ત:મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે 21 કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ

મોરબી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિક જામની સમસ્યાનો આવશે અંત: સર્વિસ રોડ સહિતની સુવિધા મળશે

મોરબી શહેરના પ્રવેશદ્વાર સમાન મહેન્દ્રનગર ચોકડી પર 21 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ફ્લાયઓવર બ્રીજનું રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. રૂ 21 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રીજમાં 35 મીટરના 4 સ્પાન, મોરબી તરફ 324 મીટર લંબાઇનો એપ્રોચ, 272 મીટર લંબાઇનો હળવદ તરફ એપ્રોચ બનશે. એપ્રોચના બાંધકામમાં પ્રીકાસ્ટ પેનલની આર.ઇ. વોલ તેમજ બ્રીજની બન્ને તરફ 5 મીટર પહોળાઇનો સર્વિસ રોડ તથા પાકી સાઇડ ગટર પણ બનાવવામાં આવશે.

આ પ્રસંગે મોરબી-માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં 1900 કરોડ રૂપિયાના ખર્ચે 233 રોડના 2500 કિ.મી.ના રસ્તાનું કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કોસ્ટલ હાઇવેનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાની માહિતી મંત્રીએ આપી હતી.આ તકે મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીની ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે નવા રસ્તાઓ અને બ્રીજ બનાવી વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લાના વિવિધ રસ્તાઓનું 309 કરોડ રૂપિયાના ખર્ચે કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ પ્રસંગે મોરબી- નાથદ્વારા સ્લીપર બસ મંજૂર કરાવવા બદલ વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...