વાંકાનેર તાલુકાના ભલગામ નજીક ટ્રેક્ટર અને ઈનોવા કાર અથડાયા હતા. જે અકસ્માતમાં ટ્રેક્ટર અને ટ્રોલીમાં બેસેલા ત્રણ અને કારમાં બેસેલ એક મહિલા સહીત કુલ ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી. જે અકસ્માતના બનાવ મામલે ઈનોવા કારના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેરના ઠીકરીયાળા ગામના રહેવાસી બીજલભાઈ રઘુભાઈ માંડાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ઘઉંની ઉપજ થઇ ગઈ હોવાથી માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે ભાડાનું ટ્રેક્ટર લાવીને ફરિયાદી બીજલભાઈ તેમજ રવિભાઈ પ્રભાતભાઈ ડાંગર તેમજ તેના ભાગિયા રામજીભાઈ ઘુસાભાઈ માંડાણી ત્રણેય નીકળ્યા હતા. ભલગામ નજીક પહોંચતા ઈનોવા કારના ચાલકે પુરઝડપે ચલાવી ટ્રેક્ટરની ટ્રોલીના પાછળની સાઈડે જોરથી ભટકાડી અકસ્માત સર્જ્યો હતો.
જે અકસ્માતમાં ટ્રેક્ટર ઊંચું થઇ જતા ટ્રેક્ટર ચાલક બીજલભાઈનો પગ ફસાઈ ગયો હતો તેમજ પંખા પર બેઠેલ રવિભાઈ પ્રભાતભાઈ ડાંગર અને રામભાઈને ઈજા પહોંચી હતી. તેમજ ઈનોવા કારમાં બેસેલ એક મહિલાને પણ ઈજા પહોંચી હતી. વાંકાનેર તાલુકા પોલીસે ઈનોવાના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.