બેકાબુ ટ્રકે બે બાઈકને ઠોકરે ચડાવ્યા:મોરબીના બેલા ગામ પાસે અકસ્માત સર્જાયો, એકનું મોત અને બે વ્યક્તિને ઈજા પહોંચી

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં બેકાબુ ટ્રકના ચાલકે બે બાઈકને ઠોકર મારી હતી. એક બાદ એક બે બાઈકને અડફેટે લેતા બાઈકના ચાલકનું ગંભીર મોત થયું હતું. તેમજ અન્ય બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. જે અકસ્માતના બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના બેલા ગામના રહેવાસી વસીમ ઓસમાણ નરેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બપોરે દોઢેક વાગ્યે ફરિયાદી વસીમ પોતાનું બાઈક જીજે 36 એ 4086 લઈને એવીટીસ સિરામિક સામે આવેલા ઉમા હોટેલમાંથી જમવાનું લઈને મોરબી જેતપર રોડ પર બેલા ગામ પોતાના ઘરે જઈ રહ્યો હતો. અંદાજે પોણા બે વાગ્યાની આસપાસ બાઈક બેલા ગામની સીમમાં આવેલા એન સ્ક્વેર સિરામિક ટાઈલ્સ શો રૂમ પાસે પહોંચ્યું ત્યારે બેલા ગામ તરફથી આવતા ટ્રક ચાલકે વાહન પુરઝડપે અને રોંગ સાઈડમાં ચલાવી આવી અન્ય વાહનોને ઓવરટેક કરવા જતા ફરિયાદી વસીમના બાઈક સાથે અકસ્માત કર્યો હતો. તેમજ વસીમની પાછળ આવતા અન્ય મોટરસાયકલ અને તેની પાછળ બેસેલ વ્યક્તિને હડફેટે લઈને પછાડી દીધા હતા. જે અન્ય બાઈક જીજે 03 એલકયું 2949ના ચાલક બેભાન થઈને જમીન પર પડ્યા હતા અને તેની પાછળ બેસેલ વ્યક્તિ પણ જમીન પર પડી તરફડીયા મારી રહ્યો હતો.

અકસ્માત સર્જનાર ટ્રક જીજે 12 ઝેડ 3792 હતું. જેના ટ્રકચાલકને લોકોએ પકડીને નામ પૂછતાં આરોપી ટ્રક ચાલકે પોતાનું નામ દીપુકુમાર વિદેશ્વરી રાય રહે બિહારવાળો હોવાનું જણાવ્યું હતું. બાદમાં 108માં ફોન કરતા 108 ટીમ આવી ગઈ હતી અને બાઈકનો ચાલક બેભાન હાલતમાં પડ્યો હોય જેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો. આમ અકસ્માતમાં અન્ય બાઈકના ચાલક અશોકકુમાર ધાનેશ્વર ગુપ્તા (રહે ઘૂટું મૂળ ઝારખંડ)નું મોત થયું હતું. જેની પાછળ બેઠેલા વ્યક્તિ અજય પરચંદ જાટ (રહે અંબુજા સિરામિક પાવડીયારી)ને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. તેમજ ફરિયાદી વસીમને પણ સારવાર માટે ખસેડાયો હતો. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે