• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Ambulance Crashes While Gadhvi Family Taking Son To Kutch For Treatment In Ahmedabad, 3 Including Father And Son Died, Patient Rescued

એમ્બ્યુલન્સનો અકસ્માત:અમદાવાદમાં પુત્રની સારવાર કરાવી કચ્છ લઈ જતા ગઢવી પરિવારને અકસ્માત નડ્યો, પિતા-પુત્ર સહિત 3નાં મોત, દર્દીનો બચાવ

હળવદ2 વર્ષ પહેલા
એમ્બ્યુલન્સ પલટી મારી જતાં ગઢવી પરિવારનાં ત્રણ સભ્યનાં મૃત્યુ થયાં. - Divya Bhaskar
એમ્બ્યુલન્સ પલટી મારી જતાં ગઢવી પરિવારનાં ત્રણ સભ્યનાં મૃત્યુ થયાં.
  • માંડવીમાં પવનચક્કીના વાયરમાં શોર્ટસર્કિટથી દાઝી ગયેલા દીકરાને સારવાર માટે અમદાવાદ લાવ્યા હતા
  • હળવાદના ધનાળા પાસે એમ્બ્યુલન્સચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત થયો

હળવદ તાલુકાના ધનાળા ગામના પાટિયા પાસે કચ્છ અમદાવાદ હાઈવે પર શુક્રવારની મધરાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કચ્છના ગઢવી પરિવારના એક દાઝેલા સભ્યને અમદાવાદથી પરત કચ્છ લઈ જતી વખતે એમ્બ્યુલન્સચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં એમ્બ્યુલન્સ પલટી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કચ્છના ગઢવી પરિવારના પિતા-પુત્ર સહિત ત્રણનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે, જ્યારે એમ્બ્યુલન્સચાલક સહિત બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે ગઢવી પરિવારમાં ભારે અરેરાટી મચી ગઈ છે.

ચાલકે કાબૂ ગુમાવતાં એમ્બ્યુલન્સનો અકસ્માત થયો હતો.
ચાલકે કાબૂ ગુમાવતાં એમ્બ્યુલન્સનો અકસ્માત થયો હતો.

ઇજાગ્રસ્તોને મોરબી રિફર કરવામાં આવ્યા
ગોઝારા અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ગત મોડી રાત્રીના કચ્છના ગઢવી પરિવાર અમદાવાદ હોસ્પિટલે દાઝી ગયેલા યુવાનને સારવાર કરી હોસ્પિટલમાંથી રજા લઇ એમ્બ્યુલન્સ લઈ પરત કચ્છ તરફ જઈ રહ્યા હતા. હળવદ નજીક ધનાળા ગામના પાટિયા નજીક એમ્બ્યુલન્સચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. એમ્બ્યુલન્સચાલક સહિત બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં હળવદ, ત્યાર બાદ વધુ સારવાર માટે મોરબી રિફર કરવામાં આવ્યા હતા.

દર્દીને માંડવી પરત લઈ જતી વખતે એમ્બ્યુલન્સ પલટી ગઈ હતી.
દર્દીને માંડવી પરત લઈ જતી વખતે એમ્બ્યુલન્સ પલટી ગઈ હતી.

પરિવારજનોને હળવદ બોલાવાયા
ત્રણેય મૃતકોના મૃતદેહોને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ બનાવને પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તેમનાં પરિવારજનોનો સંપર્ક કરી હળવદ ખાતે બોલાવવામાં આવ્યા હતા. હાલ મૃતકનું હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ હળવદ પોલીસ મથકના ગિરીશદાન ગઢવી ચલાવી રહ્યા છે.

ઇજાગ્રસ્તોને હળવદમાં પ્રાથમિક સારવાર આપી મોરબી રિફર કરાયા.
ઇજાગ્રસ્તોને હળવદમાં પ્રાથમિક સારવાર આપી મોરબી રિફર કરાયા.

દર્દીનો ચમત્કારિક બચાવ
અકસ્માતમાં મૃતક વાલજીભાઈ ગઢવીના 14 વર્ષના દીકરા શ્યામભાઈ પવનચક્કીના વાયરમાં થયેલા શોર્ટસર્કિટમાં દાઝી જતાં તેને સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો, જેમાં વાલજીભાઈ તથા તેમના પિતા, તેમનો ભાઈ અને તેમના સાળા સાથે ગયા હતા. જોકે અમદાવાદ સારવાર લીધા બાદ શ્યામને વધુ સારવાર માટે માંડવી રિફર કરવાનો હોઈ, જેથી ત્યાંથી એમ્બ્યુલન્સ લઈ પરત કચ્છ તરફ જતા હતા. ત્યારે ધનાળાના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. જોકે શ્યામભાઈનો ચમત્કારિક બચાવ થયો છે.

મૃતકનાં નામ
(1) કાનિયાભાઈ પબુભાઈ ગઢવી (ઉં.વ.61 રહે, નાની ઉનડઠા-માંડવી)
(2) વાલજીભાઈ કાનિયાભાઈ ગઢવી (ઉં.વ.40 રહે,નાની ઉનડઠા-માંડવી)
(3) વસંતભાઈ હરિભાઈ ગઢવી (ઉં.વ.25 રહે, લઈઝા)

ઈજાગ્રસ્તનાં નામ
(1) રામભાઈ નારાયણભાઈ ગઢવી (ઉં.વ.35)
(2) પિન્ટુભાઈ કાનજીભાઈ (ઉં. 27)

અન્ય સમાચારો પણ છે...