• Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Aluminum Flooring Was Responsible For The Collapse Of The Bridge, Not The Cable, The Cable Also Failed To Bear The Weight And 132 People Lost Their Lives.

હજુ સરકાર બચાવે છે:ઘડિયાળવાળાને સોંપ્યું બ્રિજ બનાવવાનું કામ; પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર, સુઓમોટો લઈ ફરિયાદ કરવા માગ

મોરબીએક મહિનો પહેલા
 • પુલ તૂટવા પાછળ એલ્યુમિનિયમનું ફ્લોરિંગ જવાબદાર
 • કેબલ વજન સહન ના કરી શક્યા

30 ઓક્ટોબરને રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી સુઓમોટો લઈ ફરિયાદ કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે. ફરિયાદમાં પણ ઓરેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

ફરિયાદમાં પણ ઓરેવા ગ્રુપ કે તેના માલિકનો ઉલ્લેખ નથી
શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી જણાવ્યું છે કે, સુઓમોટો લઈ ફરિયાદ કરવામાં આવે એવી વિનંતી કરી છે. ઓરેવા ગ્રુપ દ્વારા પુલને 7 વર્ષ સુધી કંઈ ન થાય તેવું જણાવ્યું હતું. જોકે, આમાં એવું ધ્યાને આવ્યું છે કે, કેટલ અને પીન તો બદલવામાં જ આવ્યા ન હતા. જ્યારે 15 રૂપિયાની ટિકિટની મંજૂરી હતી અને તે 17 રૂપિયા ટિકિટ લેતા હતા. આ સાથે જ ફિટનેસ સર્ટિફિકેટ પણ લેવામાં આવ્યું ન હતું. ફરિયાદમાં પણ ઓરેવા ગ્રુપ કે તેના માલિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેથી આમાં નિષ્પક્ષ તપાસ થઈ શકે એમ નથી. જેથી હાઈકોર્ટ આ કેસમાં સુઓમોટો લઈ જલાબદારો સામે ફરિયાદ નોંધવામાં આવે એવો આદેશ કરે છે. મારો આ પત્ર જાહેરહિતની અરજી તરીકે લઈ કોર્ટની પ્રોસિઝર પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે.

મિનિટોમાં જ 135 જેટલા લોકોએ જિંદગી ગુમાવી દીધી
30 ઓક્ટોબરે બરોબર સાંજના 6:30 વાગ્યે ઝૂલતો પુલ તૂટી પડતાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા અને મિનિટોમાં જ 135 જેટલા લોકોએ જિંદગી ગુમાવી દીધી. આ ઘટનાના જવાબદાર 9 આરોપીને પોલીસે પકડીને ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા અને 4 આરોપીના શનિવાર સુધીના રિમાન્ડ મજૂર થયા છે. આ મામલે સરકારી વકીલ હરસેન્દુ પંચાલે જણાવ્યું હતું કે હાલની તપાસમાં એવું બહાર આવ્યું છે કે પુલના કેબલ બદલવામાં નથી આવ્યા, માત્ર ફ્લોરિંગ જ બદલાયું છે તેમજ ફ્લોરિંગ પણ એલ્યુમિનિયમનું છે, એટલે એના વજનના કારણે પણ કેબલ તૂટી ગયા હોય એવું મનાય છે.

જયસુખ પટેલને લઈને કોઈ ચર્ચા થઈ નથી: વકીલ
હરસેન્દુ પંચાલ વધુમાં કહે છે, પોલીસ દ્વારા મુખ્ય 8 મુદ્દા પર રિમાન્ડ માગવામાં આવ્યા હતા, જેમા બે-ત્રણ મુદ્દા મહત્ત્વના હતા. ઓરેવા કંપનીના મેનેજરને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો, જેમાં પુલના રિનોવેશન અને મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી હતી. એમા બે અનક્વોલિફાઈડ લોકોને ફેબ્રિકેશનનું કામ સોંપવામાં આવ્યું હતું. આ પહેલાં પણ 2007 અને 2022 બે-બેવાર તેમને જ કોન્ટ્રેક્ટ અપાયા છે. હજુ પણ એની પાછળ કેટલા લોકો છે એ જાણવા આ રિમાન્ડ માગ્યા છે. આ મુદ્દે જયસુખ પટેલને લઈને કોઈ ચર્ચા થઈ નથી, પણ હાલ તપાસ ચાલી રહી છે. FSL રિપોર્ટ કવરમાં નામદાર કોર્ટ સામે રજૂ થયો છે, પણ ખોલેલો નથી.

બ્રિજ અકસ્માતમાં દીપક પારેખ, દિનેશ દવે, મનસુખ ટોપિયા, માદેવ સોલંકી, પ્રકાશ પરમાર, દેવાંગ, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી.
બ્રિજ અકસ્માતમાં દીપક પારેખ, દિનેશ દવે, મનસુખ ટોપિયા, માદેવ સોલંકી, પ્રકાશ પરમાર, દેવાંગ, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી.

રિમાન્ડ અરજીમાં લખ્યું- કંપનીએ માત્ર ફ્લોરિંગ બદલ્યું
ગુજરાત પોલીસે મંગળવારે મેજિસ્ટ્રિયલ કોર્ટમાં પુલ અકસ્માતનો ફોરેન્સિક રિપોર્ટ દાખલ કર્યો હતો. આ રિપોર્ટ સીલબંધ કવરમાં સબ્મિટ કરવામાં આવ્યો છે. સરકારી વકીલ પંચાલે સુનાવણી બાદ જણાવ્યું હતું કે પોલીસે રજૂ કરેલી રિમાન્ડ અરજીમાં સ્પષ્ટ લખ્યું છે કે રિપેરિંગ દરમિયાન પુલના સ્ટ્રક્ચરની મજબૂતાઈ પર કામ કરવામાં આવ્યું નહોતું. બ્રિજના ફલોરિંગમાંથી માત્ર લાકડું કાઢીને એલ્યુમિનિયમની શીટ્સ નાખવામાં આવી હતી.

વજન વધી જતા કેબલ તૂટ્યા, લોકો નદીમાં પડ્યા
સરકારી વકીલ પંચાલે જણાવ્યું હતું કે ફોરેન્સિક સાયન્સ લેબની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે જે ચાર કેબલ પર પુલ છે, એના રિપેરિંગના છ મહિના દરમિયાન બદલવામાં આવ્યો નહોતો. ફોરેન્સિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ નવા ફ્લોરિંગ સહિત ખૂબ જ જૂના કેબલ લોકોનું વજન સહન કરી શકતા ન હતા અને વધુપડતા વજનના કારણે કેબલ તૂટી ગયા હતા.

જે કોન્ટ્રેક્ટરોએ રિપેરિંગ કર્યું, તેઓ કામ કરવા યોગ્ય નહોતા
પોલીસે કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે જે કોન્ટ્રેક્ટરોને પુલના સમારકામનું કામ સોંપવામાં આવ્યું હતું તેઓ એ કરવા માટે લાયક નહોતા. તેમને સસ્પેન્શન બ્રિજની ટેક્નોલોજી અને સ્ટ્રક્ચરની મજબૂતાઈ વિશે જરૂરી જાણકારી ન હતી. તેથી તેમણે બ્રિજના ઉપરની સજાવટ પર જ ધ્યાન આપ્યું. એટલા માટે બ્રિજ મજબૂત દેખાઈ રહ્યો હતો, પણ અંદરથી નબળો હતો.

બેદરકારીની હદ- જેની પર કેબલ લાગ્યા હતા એ એન્કર પિનની મજબૂતાઈ ધ્યાનમાં લીધી નહોતી
મોરબીના ઐતિહાસિક પુલનું રૂ. 2 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ એ ખૂલ્યાના પાંચ દિવસ બાદ તૂટી પડ્યો હતો. સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ સમય દરમિયાન કેબલને જકડી રાખતી એન્કર પિનની મજબૂતાઈને ધ્યાનમાં લેવામાં આવી ન હતી. વધુ વજનના કારણે પુલના દરબારગઢ છેડે આવેલી એન્કર પિન ઊખડી ગઈ હતી અને પુલ એક તરફ ઝૂકીને નદીમાં પડી ગયો હતો.

એન્કર પિન જમીનમાં ફિટ થાય છે અને સસ્પેન્શન બ્રિજને બંને બાજુથી પકડી રાખે છે.
એન્કર પિન જમીનમાં ફિટ થાય છે અને સસ્પેન્શન બ્રિજને બંને બાજુથી પકડી રાખે છે.

પુલની એન્કર પિન કેટલી મજબૂત હતી?
મોરબી બ્રિજમાં એન્કર પીનની ક્ષમતા 125 લોકોની હતી, પરંતુ રવિવારે એકસાથે 350થી વધુ લોકોને બ્રિજ પર જવા દેવામાં આવ્યા હતા. બ્રિજ 143 વર્ષ જૂનો છે, એની પર પણ કોન્ટ્રેક્ટરો અને અધિકારીઓએ ધ્યાન આપ્યું નથી. એન્કર પિન તેટલા ભારને હેન્ડલ કરવામાં સક્ષમ ન હતી. પરિણામે લોકોના ભારણને કારણે આવી એક પિન તૂટી જતાં લોકો નીચે પડી ગયા હતા.

ઝૂલતો પુલ શું હોય છે?

 • માત્ર તારના સપોર્ટથી બનેલા પુલને ઝૂલતો પુલ પણ કહેવામાં આવે છે. એન્જિનિયરિંગની ભાષામાં એને સસ્પેન્શન પુલ કહેવામાં આવે છે.
 • આવા પુલ કોઈપણ પાયાના ટેકા વગર કેબલની મદદથી બંને બાજુ મજબૂતાઈથી લટકેલા હોય છે.
 • "આ પ્રકારના કેબલ બ્રિજમાં બંને બાજુએ બે મજબૂત ટેકા બાંધવામાં આવે છે. આ સિમેન્ટ, લોખંડ અથવા લાકડાના ઊંચા થાંભલા હોય છે. કેબલ આ મજબૂત પાયા સાથે જોડાયેલા છે," રાજકોટના સ્ટ્રક્ચરલ એન્જિનિયર જયંતભાઈ લખલાણી સમજાવે છે.
 • રાજકોટના આર્કિટેક્ટ સુરેશ સંઘવીના જણાવ્યા અનુસાર, સસ્પેન્શન માટે ઉપયોગમાં લેવાતા કેબલ અથવા દોરડાની ક્ષમતાનું પણ પરીક્ષણ કરવામાં આવે છે.
 • આવા બાંધકામની ગુણવત્તા દરેક તબક્કે તપાસવામાં આવે છે. જયંતભાઈ લાખલાણીના જણાવ્યા મુજબ, બ્યરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ સમગ્ર બાંધકામ પૂર્ણ થાય છે.
 • જ્યાંથી મોટી સંખ્યામાં લોકો પસાર થઈ શકે અને જ્યાં અકસ્માત થવાની સંભાવના હોય એવાં સ્થળોના બાંધકામ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.
 • ઋષિકેશના લક્ષ્મણઝૂલા અને રામઝૂલા પુલ ઝૂલતા પુલનાં પ્રસિદ્ધ ઉદાહરણો છે. અહીંથી દરરોજ હજારો પ્રવાસીઓ પસાર થાય છે.

કરારમાં શું હતું?

 • મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલના સમારકામ અને જાળવણીની જવાબદારી મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવા ગ્રુપને સોંપવામાં આવી હતી. આ જૂથ અજંતા બ્રાન્ડની ઘડિયાળોનું ઉત્પાદન કરે છે. આ સિવાય એ બલ્બ, લાઇટ અને અન્ય ઘરગથ્થુ ઉપકરણો પણ બનાવે છે.
 • આ જૂથ અને મોરબી નગરપાલિકા વચ્ચે રૂ.300ના સ્ટેમ્પ પેપર પર કરાર કરવામાં આવ્યો છે.
 • કરાર મુજબ, બંને પક્ષ "ઓ એન્ડ એમ (ઓપરેશન અને મેઇન્ટેનન્સ), સુરક્ષા, સ્વચ્છતા, જાળવણી, ચુકવણી સંગ્રહ, સ્ટાફિંગ વગેરે જેવા પુલનું સંચાલન કરવા માટે સંમત થયા છે."
 • કરારમાં કલેક્ટર, નગરપાલિકા અને ઓરેવા ગ્રુપ દ્વારા બ્રિજ પર જવાના દર અને 2027-28 સુધીમાં વાર્ષિક કેટલો વધારો કરવામાં આવશે એની વિગતો પણ આપવામાં આવી છે.
 • આ મુજબ વર્તમાન ટિકિટનો દર 15 રૂપિયા છે, જે વર્ષ 2027-28 સુધીમાં વધારીને 25 રૂપિયા કરવાનો છે. આ કરારમાં એવું પણ લખવામાં આવ્યું છે કે વર્ષ 2027-28 પછી પ્રવેશ ફીમાં દર વર્ષે બે રૂપિયાનો વધારો થશે.
 • કરારમાં કુલ નવ પોઈન્ટ છે, જેમાં આ ટિકિટદરનો સમાવેશ થાય છે. જોકે કોન્ટ્રેક્ટમાં ટિકિટ સિવાય કોઈ મુદ્દાની વિગતવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી અને ન તો કોઈ શરત મૂકવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...