વિવાદમાં નવો ફણગો:દલિત મહિલાએ બનાવેલું ભોજન આગેવાનો જમ્યા એક બાળકીને ઊલટી થતાં પરાણે જમાડ્યાનો આક્ષેપ

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીની સોખડા પ્રા.શાળામાં દલિત મહિલાનું બનાવેલું ભોજન બાળકો ન જમતા હોવાના વિવાદમાં નવો ફણગો

મોરબીના સોખડા ગામે આવેલી શાળામાં મધ્યાહન ભોજનની સંચાલિકા મહિલા ધારાબેન મકવાણા અનુસૂચિત જાતિના હોવાથી તેમના હાથે રાધેલું અન્ન શાળાના અન્ય સમુદાયના બાળકો જમતા ન હોવાના ચોંકાવનારા આક્ષેપો થયા હતા અને આ આ અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થતાં મામલો તંત્ર સમક્ષ પહોંચ્યો હતો. જો કે તંત્રએ શાળાના બાળકો તેમજ વાલીઓ સાથે મીટીંગ કરતા તમામ વાલીઓએ આભડછેટનો કોઈ મામલો જ ન હોવાનો બચાવ કર્યો હતો. વિવાદ વધતા જિલ્લા શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પણ સ્થળ તપાસ કરવામાં આવી હતી.

આ વિવાદનો અંત લાવવા ગામના સરપંચ તથા અન્ય સમુદાયના લોકોએ આ મહિલાએ રાધેલી રસોઈ જમીને મામલાનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે જમણવાર પૂર્ણ થયા બાદ એક મહિલા તેની બાળકીને પરાણે જમણવાર કરાવ્યો હોય અને તેના કારણે ઉલટી થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાના આક્ષેપ સાથે શાળાએ પહોંચતા વિવાદ શાંત થવાના બદલે વધુ ઉગ્ર બન્યો હતો.

સમગ્ર મામલાને લઇ છેલ્લા પાંચ દિવસથી તંત્ર, શાળા આચાર્ય સહિત ગ્રામના આગેવાનો દોડતા થયા છે અને જોવાનું એ રહે છે કે આ આખા મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કેવી રીતે કરવામાં આવે છે અને કોના દોરીસંચાર હેઠળ આ બધું થઇ રહ્યું છે તેની ન્યાયી તપાસ થાય. આ મામલે મધ્યાન ભોજનનાં સંચાલકે રજૂઆત કરવા આવેલી મહિલા સહિતનો વિડીયો ઉતારી ધમકી આપ્યાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.

બાળકી જમીને ઘરે ગઇ પછી ઊલટી થઇ
આજરોજ અમે સૌ બાળકો સાથે ભોજન લીધું હતું. બાળકી જમીને ઘરે ગઈ ત્યારબાદ તેને ઉલટી થઈ હતી જેને લઈને બાળકીના માતા-પિતા પૂછપરછ માટે સ્કૂલે આવ્યા હતા. જો કે આ મામલે મધ્યાન ભોજન સંચાલક દ્વારા વિડીયો બનાવીને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી આવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. > મેહુલ થરેશા, સરપંચ

આ મુદ્દો શાંતિથી ઉકેલવા અમે પ્રયત્નશીલ છીએ
જે વિવાદ સર્જાઇ રહ્યો છે તેનો ઉકેલ લાવવા સતત અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. આજે અમે જે બાળકોને સ્વઈચ્છાએ ભોજન કરવું હોય તેમની સાથે ભોજન કર્યું હતું. પરંતુ એક બાળકીને ઉલટી થતા તેમના માતા-પિતાએ સ્કૂલે આવી રજૂઆત કરી હતી અને કેટલાક વાલીઓ બાળકોને સ્કૂલમાંથી સર્ટી લઈ અન્ય સ્કૂલમાં અભ્યાસ કરાવવા માગે છે તેવી અમને જાણ કરી છે. જો કે અમે હજુ આ મામલે ઉકેલ લાવવા માટેના પ્રયત્નશીલ છીએ. > બીંદિયાબેન રત્નોતર, આચાર્ય, સોખડા શાળા

અન્ય સમાચારો પણ છે...