મોરબી જિલ્લાના સૌથી ગરીબ તાલુકા તરીકે જાણીતા માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની હાલત હાલ દયનીય બની છે. સિંચાઈ સુવિધાના અભાવે અને રોજગારીની કોઇ નવી તક ન મળતાં ગામડાં ખાલી થવા લાગ્યા છે, કેટલાક ગામડામાં તો ઘરમાં તાળા લાગી ગયા છે. તો ક્યારેક માત્ર મોટી ઉંમરના લોકો અને સિઝનલ ખેતી સાથે જોડાયેલા લોકો રહે છે.
ગામમાં સિંચાઈના પાણીની સગવડની સુવિધાના અભાવે ખેતી પાયમાલ થવા લાગી છે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રીથી લઈને નાના મોટા નેતાઓએ અનેક વચનો આપ્યા હતા જેમાં મચ્છુ 2 અને 3 થી કેનાલથી પાણી આપી માળીયા તાલુકાને હરિયાળી કરવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ આ વચન પોકળ સાબિત થયું છે.ત્યાં કેટલાક નેતાઓ હરખ પદુડા થઈને મચ્છુ નદીમાં વધુ એક ડેમ બંધાવી દઇ સિંચાઈનું પાણી આપવાની વાતો કરે છે. જોકે ખેડૂતો પણ જાણે છે કે અગાઉ આપેલ વચન પૂરું નથી કરી શક્યા તે નવો ડેમ શું બંધાવી આપશે જેનાં કારણે ખેડૂતોએ આશ છોડી દીધી છે.
માળીયા તાલુકાના સરવડ ચાચા વદરડા મોટી બરાર નાની બરાર જશાપર નાના ભલા, મોટા ભેલા ,તરઘરી સહિતના ગામના લોકો સિંચાઇની સુવિધાઓ માગી રહ્યા છે આ સિવાય ગામડામાં હજુ 24 કલાક વીજળી પૂરેપૂરી મળતી નથી. આ ઉપરાંત કેટલાક ગામડા એવા છે જ્યાં એસટી બસ નિયમિત નથી. જેનાં કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ખેતી સફળ ન થવાના કારણે તેમજ અન્ય કોઈ રોજગારીની વ્યવસ્થા નથી, આથી માળીયા મિયાણા શહેર અને તાલુકો લાંબા સમયથી વિકાસ માટે વાટ જોઇ રહ્યો છે.
સરવડમાં દોઢ કિમીની લાઇન જરૂરી
સરવડ ગામમાં હાલ માત્ર સિઝનલ ખેતી કરીએ છીએ. જો વરસાદ પૂરતો ન થાય તો માત્ર ચોમાસુ પાક લઈ શકાય છે. અમારા ગામથી નજીક આવેલા મહેન્દ્રગઢ નજીકથી કેનાલમાં પાણી આવે છે, ત્યાંથી જો પાઈપલાઈન થકી સિંચાઈનું પાણી આપવામાં આવે તો ખેડૂતો ત્રણેય સિઝન લઇ શકે > હિતેષભાઇ વિરમગામા
અમારા ગામમાં લાઇટ અને પાણીની કપરી સમસ્યા
અમારા ગામની હાલ 1200થી વધુની વસતી છે. ગામમાં હાલ રોડ રસ્તા કે ભૂગર્ભ ગટરનું કામ થઈ ગયું છે. જો કે ગામમાં પીવાનું પાણી પુરતા પ્રેશરથી નથી આવતું આ ઉપરાંત વીજળી 24 કલાક નથી મળતી અને ઉનાળામાં તો પંખો પણ શરૂ થઈ શકતા નથી >સુરેશભાઇ ડાંગર, મોટી બરાર, સરપંચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.