આજના સમયમાં બાળકોથી લઇ વડીલો મહિલા કે યુવતીએ નાની બાબતોમાં હતાશ થઈ જાય છે, અને આપધાત જેવું પગલુ ભરી લે છે. ઘરમાં થતાં નાના મોટા પારિવારિક કલેશથી કંટાળીને મહિલાઓ પણ આપઘાત કરી લે છે. ભૂતકાળમાં આવી અનેક ઘટના ઘટી ચૂકી છે. જો કે આવા સમયે કોઈ આપઘાત કરવા જનાર વ્યક્તિને સમજાવટ કરનાર મળી જાય તો તે વ્યક્તિ પોતાનો નિર્ણય બદલી શકે છે. મોટા ભાગના કેસમાં આ કામગીરી પોલીસના હાથમાં વધુ આવતી હોય છે. આવો જ એક કિસ્સો મોરબી મહિલા પોલીસની ‘શી ટીમ’ પાસે આવ્યો હતો.
મળતી માહિતી મુજબ એક મહિલા ટ્રેનમાં પાટા પર પડીને આપઘાત કરવા જઈ રહ્યા હતા એ દરમિયાન મહિલા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જ્યાં પી.આઇ લગધીરકા અને શી ટીમ દ્વારા મહિલાને અટકાવવામાં આવી હતી અને તેને મહિલા પોલીસ ખાતે લઈ આવ્યા હતા.જ્યાં મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. એ દરમિયાન સામે આવ્યું હતું કે મહિલાના છૂટાછેડા થઈ ગયા છે અને તેનો પુત્ર પતિ પાસે રહેતો હોય પુત્રને મળવા માટે મહિલાને પતિ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એ બોલાચાલીના કારણે મહિલાને મનમાં લાગી આવતા તેમણે અંતિમ પગલું ભરવાનું નિર્ધાર કર્યો હતો.
પરંતુ પોલીસે તેમનું કાઉન્સિલિંગ કરીને તેને અટકાવી હતી અને તે મહિલાને પોતાની ભૂલ સમજાઈ ગઇ હતી અને હવે પછી ગમે તેટલી જીવનમાં મુશ્કેલી આવશે તો પણ મનમાં આપઘાતનો વિચાર નહીં લાવવાની શી ટીમને ખાતરી આપી હતી.
અનેક કિસ્સામાં ઘર ભાંગતા બચાવ્યા
દંપતીઓ વચ્ચે સામાન્ય ઝઘડા તો ચાલ્યા કરતા હોય પરંતુ જ્યારે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઇ હોય અને સંતાનો હોય ત્યારે જે સ્થિતિ સર્જાય તેને સમાધાનકારી બનાવવા કરતાં દંપતીઓ છૂટા ન પડે તે માટે પ્રયત્ન કરતી શી ટીમના સભ્યો કાઉન્સેલિંગ કરી અનેક કિસ્સામાં ઘર ભાંગતા બચાવી શક્યા છે. તો બીજી તરફ સંતાન હોવાના કિસ્સામાં પણ જયારે વાત વણસીને આપઘાત સુધી પહોંચી ગઇ હોય ત્યારે પણ જિંદગી બચાવીને પુન: સારી રીતે જીવતા કરી દેવાયા હોવાનો સંતોષ ટીમે લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.