30 ઓક્ટોબરે ઘટેલી ઝુલતા પુલની દૂર્ઘટનામાં 135 લોકોનો ભોગ લેવાયો હતો. આ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપને જેટલું જવાબદાર ગણવામાં આવે છે તેટલી જ જવાબદારી મોરબી નગર પાલિકાના અધિકારી અને પદાધિકારીઓની પણ માનવામાં આવે છે.
જો કે શરૂઆતથી જ પાલિકાના હોદેદારો પોતે નિર્દોષ હોવાનુ ગાણું ગઈ રહ્યા છે પરંતુ સરકારનો શહેરી વિકાસ વિભાગ પણ દુર્ઘટનામાં પાલિકાના હોદેદારો ક્યાંકને ક્યાંક જવાબદાર હોવાનુ માની રહ્યો છે. આથી 19 જાન્યુઆરીએ પાલિકા પ્રમુખને નોટિસ આપી દુર્ઘટનામાં તેઓની બેદરકારી પ્રાથમિક દ્રષ્ટિએ જણાતી હોય તો પાલિકાને સુપર સીડ કેમ જાહેર કરવામાં ન આવે તેના યોગ્ય કારણ સાથેનો જવાબ 25 જાન્યુઆરી પહેલાં રજૂ કરવા જણાવ્યુ હતુ અને તે નોટિસનો જવાબ આપવા બોર્ડ બોલાવાયું હતું અને જરૂરી દસ્તાવેજો કે જે જવાબ આપવા જરૂરી છે.
તે તપાસ સમિતિ પાસે છે, આવ્યા બાદ અમે નોટિસનો જવાબ આપીશું કહી 20 જ મિનિટમા બોર્ડ પૂર્ણ કરી દેવાયું હતું. અગાઉથી નક્કી થયા મુજબ એવું ઠરાવાયું હતું કે ઝુલતા પુલની દુર્ઘટના બાદ તેને લગતું રેકોર્ડ તપાસ સમિતિ પાસે છે. અને સરકારની નોટિસનો જવાબ રજૂ કરવા અમુક દસ્તાવેજ તેમજ કાગળો સરકારમાંથી માગવામાં આવશે, તેમજ તે મળ્યા બાદ જ સભ્યો દ્વારા જવાબ રજૂ કરાશે.
સભ્યોએ બંધ બારણે બેઠક કરી કોઇ પણ રીતે જવાબ આપવાની મુદત વધારવાની રણનીતિ અપનાવી હોવાનો તાસીરો
તપાસ સમિતિમાં આ પાંચ અધિકારી સામેલ
રાજ્ય સરકારે આ 5 અધિકારીની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)બનાવી હતી. આ સમિતિમાં રાજકુમાર બેનીવાલ- મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, કે એમ પટેલ- ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, ડૉ. ગોપાલ ટાંક- એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, સંદીપ વસાવા -સચિવ માર્ગ અને મકાન, સુભાષ ત્રિવેદી -આઈ.જી સી.આઈ.ડી ક્રાઈમને નિયુક્ત કરવામાં આવ્યા છે.
બોર્ડમાં 52 માંથી 13 સભ્યનો રજા રિપોર્ટ
10 મહિના બાદ મળેલી સામાન્ય સભામાં 52સભ્યમાંથી 37 સભ્ય હાજર રહ્યા હતાં, જ્યારે 13 સભ્યએ અગાઉથી રજા રિપોર્ટ મૂક્યો હતો અને 2 સભ્ય કોઈ રજા રિપોર્ટ મૂક્યા વિના જ ગેર હાજર રહ્યા હતાં.
વાતાવરણ યોગ્ય ન હોવાથી બોર્ડ ન બોલાવ્યું : ઉપપ્રમુખનો બચાવ
મોરબી પાલિકા દ્વારા છેલ્લું જનરલ બોર્ડ માર્ચ 2022માં બોલાવવામાં આવ્યું હતું, જે બાદ એક પણ વાર જનરલ બોર્ડ બોલાવાયું ન હતું. આ અંગે પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જનરલ બોર્ડ ન બોલાવવા પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર નથી.
પુલ દુર્ઘટનાના કારણે મોરબીમાં શોકનું વાતાવરણ હોય તેમજ મોરબીમાં વિધાનસભા ચૂંટણી ચાલતી હોય સામાન્ય સભા બોલાવી ન હતી. જો કે તેમણે દુર્ઘટના પહેલાં સાત મહિના સુધી કેમ સામાન્ય સભા કેમ ન બોલાવી તે અંગે કોઈ ખુલાસો કરવાનું ટાળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.