મોરબી નગરપાલિકાની બેઠકો રોટેશન મુજબ અનુસૂચિત જાતિને ન ફાળવીને અન્યાય કરાતો હોવાની ફરિયાદ ઉઠી છે. જેમાં નગરપાલિકાના પ્રમુખની બેઠક 23 વર્ષ થવા છતાં અનુસૂચિત જાતિને ફાળવી ન હોય અનુસૂચિત જાતિ સમાજે કલેકટરને રજૂઆત કરી રોટેશન મુજબ અનુસૂચિત જાતિને બેઠક ફાળવવાની માંગ કરી છે.
મોરબી નગરપાલિકાના પ્રમુખની અનામત બેઠકનો વર્ષ 2000માં અનુસૂચિત જાતિને લાભ મળ્યો હતો.ત્યારબાદ મોરબી નગરપાલિકામાં 23 વર્ષથી પ્રમુખની અનામત બેઠકનો લાભ મળ્યો નથી. રોટેશન અને કાયદાની જોગવાઈ મુજબ 10 કે 15 વર્ષે પ્રમુખની અનામત બેઠક હોવી જોઈએ અને એ પ્રમુખની અનામત બેઠકનો અનુસૂચિત જાતિને લાભ મળવો જોઈએ પણ એનો લાભ મળ્યો નથી. ઉપરાંત 1995માં વોર્ડ નંબર 1 રોહિદાસપરા (વીસીપરા) હાલના વોર્ડ નંબર 2 રોહિદાસપરા (વીસીપરા) જે સ્ત્રી અનુસૂચિત જાતિની બેઠક છે. તે બેઠક વોર્ડ નંબર 13માં જવી જોઈએ અને 13 નબરના વોર્ડમાં જે પુરુષ અનામત છે. તેના ક્રમવાઇઝ જવી જોઈએ. વોર્ડ નંબર 2માં જે સ્ત્રી અનામત બેઠક છે. તે પુરુષ અનામત બેઠકમાં તબદિલ થવી જોઈએ તેવી માંગ કરી છે.
પંચાયતી રાજ અને નગરપાલિકામાં રોટેશન પ્રમાણે અનુસુચિત જાતી અને જનજાતિને પણ પ્રાધાન્ય મળે અને તેઓને પણ શાસન કરવાની તક સાંપડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે જે અનુસંધાને મોરબીના અનુસુચિત જાતી સમાજે પોતાને અન્યાય થતો હોવાની કલેકટરને આક્રમક રજૂઆત કરી. 23 વર્ષથી પ્રમુખ પદ ન મળ્યું હોવાનું જણાવી આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.