પથ્થરમારો:મોરબીના રફાળેશ્વર મંદિર પાસે બે કાર વચ્ચે અકસ્માત; લાકડી, ધોકા લઇ બે જૂથ બાખડ્યા

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોધપર તરફ જવાના રસ્તે બનેલી ઘટનામાં એક પક્ષે કાર પર પથ્થરમારો કરી 2.95 લાખ પડાવી લીધાનો આક્ષેપ

મોરબી નજીક આવેલ રફાળેશ્વર મંદિર પાસેથી જોધપર તરફ જવાના રસ્તે આવેલ રેલવે ફાટક પાસે બુધવારે મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બાદ બન્ને કારમાં સવાર લોકો વચ્ચે પ્રથમ બોલાચાલી થઈ હતી વાત વધુ વણસતા એક બીજાને ઓળખતા લોકો પણ ધોકા પાઇપ અને પથ્થર સહિતનાં હથિયાર સાથે ધસી આવ્યા હતા અને એક બીજા પર હુમલો કરી દીધો હતો.

જેથી બન્ને પક્ષના લોકોને ગંભીર ઇજા પહોંચતા મોરબી સિવિલમાં સારવાર અર્થે ખસેડયા હતા. આ ઘટના અંગેની જાણ બન્ને પક્ષના લોકોને થતા મોટી સંખ્યામાં સિવિલમાં લોકો ધસી આવ્યા હતા અને મોડી રાત્રે વાતાવરણ તનાવ ગ્રસ્ત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી અને ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલમાં પહોંચી જઈ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, બીજી તરફ પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ઉદ્યોગકારો અને સામાજિક આગેવાનો સહિતના એસપી કચેરીએ પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરી કાર્યવાહીની માંગ કરી હતી.

જે બાદ એસપી રાહુલ ત્રિપાઠીએ આગેવાનોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી હતી, જેમાં પ્રથમ ફરિયાદ લીલાપર ગામમાં રહેતા ગૌતમ મકવાણાએ કરી હતી. સામે પક્ષે દીપભા ગઢવી તેમજ ખીમભા ગઢવી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીએ જણાવ્યું હતું કે સામા પક્ષે રોંગ સાઈડમાં કાર ચલાવી હતી અને ગૌતમની કાર સાથે અથડાવી હતી જે બાદ યુવાને તેમને સમજાવતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગૌતમ અને તેના મિત્રો પારસ ઉર્ફે સુલતાન સાથે માથાકૂટ કરી, જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. ઉપરાંત ખીમભા ગઢવીએ અજયને માર મારી તેમજ ઉપ સરપંચ દીપભા ગઢવી અને અન્ય 10 શખ્સે લાકડી, ધોકા લઇ આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તો સામે પક્ષે રવાપર રોડ ઉપર રહેતા રજનીભાઈ પરસોતમભાઈ સુરાણીએ જણાવ્યુ હતુ કે, પોતે તેમજ હર્ષદભાઈ, કિરીટભાઈ કરમશીભાઈ દેત્રોજા, અને પાર્થભાઈ અને સાથે કારમાં કારખાનાના હિસાબના રૂ.2.95,000 લઈને ઘર તરફ જઈ રહ્યા હતા અને રફાળેશ્વર નજીક પહોંચતા કાર તેમની કાર સાથે અથડાવી સુલતાન, અજય, ગૌતમ મકવાણાએ કાર પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. તેમજ તેમની પાસે રહેલા રૂ.2.95 લાખ પડાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...