મોરબી શહેરના સામાકાંઠે આવેલા કેસરબાગમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઈટ શરૂ કરવા તેમજ કેસરબાગમાં સીસીટીવી વ્યવસ્થા કરવાની માંગ સાથે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે. લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, એક તો મોરબી શહેરમાં પરિવાર સાથે હરવા-ફરવા જઇ શકાય તેવા ઉદ્યાનો કે સ્થળો તદ્દન નહીંવત છે અને જે એકલ-દોકલ બગીચા છે તેની જાળવણીમાં પાલિકા કે કલેક્ટર તંત્ર ઊણા ઉતર્યા છે ત્યારે અમારે હળવાશનો સમય પસાર કરવા ક્યાં જવું, શિયાળાનો સમય છે ત્યારે કસરત અને વોકિંગનો ચાહક વર્ગ જાહેર ઉદ્યાન પર પસંદગી ઉતારવા મજબૂર હોય અહીં વીજળી કે ચોકીદારની ગેરહાજરીના લીધે ક્યો વિકલ્પ અપનાવવો તે હવે તંત્ર જ કહે. વિકલ્પ ન આપી શકતા સંબંધિત તંત્રે આ મુદ્દે ગંભીરતાથી વિચારવું રહ્યું.
એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા રજૂઆત કરી જણાવ્યું છે કે કેસરબાગમાં સ્ટ્રીટ લાઈટ સુવિધા નથી જેથી રાત્રીના અંધકાર છવાઈ જાય છે. મોરબીમાં આમેય પરિવાર સાથે ફરવાલાયક ઓછા સ્થળ આવેલા છે અને કેસરબાગમાં લાઈટ ન હોવાથી રાત્રીના પરિવાર સાથે જઈ શકાતું નથી. કેસરબાગ આવારા તત્વોનો અડ્ડો બની ગયો છે. અંધકારને પગલે અસામાજિક પ્રવૃતિઓ, છેડતીના બનાવો બને છે. જેથી સીસીટીવીની વ્યવસ્થા કરવી પણ જરૂરી બની છે જેથી મહિલાઓ સલામતી અનુભવી શકે તેમજ કેસરબાગમાં રાત્રી દરમીયાન સિક્યુરીટી ગાર્ડ અથવા હોમગાર્ડની સુરક્ષા આપવામાં આવે જેથી પરિવાર નિર્ભય બનીને કેસરબાગમાં ફરવા આવી સકે આમ વિવિધ મુદે રજૂઆત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.