શિશુનો મૃતદેહ મળતા ચકચાર:મોરબીમાં રામઘાટ નજીક ત્યજી દેવાયેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળ્યું, પોલીસે તપાસ હાથ ધરી

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીના રામઘાટ નજીક નવજાત શિશુને ત્યજી દેવામાં આવ્યું હોવાની માહિતી મળતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમો દોડી ગઈ હતી. પોલીસે તપાસ ચલાવી હતી જેમાં નવજાત શિશુનું મોત થયું હોઈ તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યું હતું.

મોરબીના રામઘાટ નજીક નવજાત શિશુ હોવાની માહિતીને પગલે 108 ટીમ દોડી ગઈ હતી અને બનાવ મામલે પોલીસને પણ જાણ કરી હતી. જેથી એ ડીવીઝન પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જ્યાં ત્યજી દેવાયેલા નવજાત શિશુની 108 ટીમે તપાસ કરતા નવજાત શિશુનું મોત થયું હતું. જેથી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા બાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યું છે.

નવજાત શિશુને ત્યજી દેવાના બનાવને પગલે સૌ કોઈ નિષ્ઠુર જનેતા પર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. તેમજ નવજાત શિશુને મૃત હાલતમાં ત્યજી દેવામાં આવ્યું હતું કે પછી તરછોડી દીધા બાદ માસૂમનું મોત થયું હતું? તેવા સવાલોનો જવાબ તપાસ બાદ જ મળી શકશે. હાલ પોલીસે બનાવ મામલે અજાણ્યા મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે અને ફોરેન્સિક પીએમ રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...