વર્ષ 2023ની શરૂઆતથી જ ગુનાખોરીનો આંક ઘટવો ન જોઇએ એવી નેમ રાખી ગુનેગારો હત્યા, મારામારી, ચોરી સહિતના બનાવોને અંજામ આપી રહ્યા છે અને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. માળિયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા નીપજાવી ફરાર થઇ ગયા હતા. સમગ્ર બીનાની જાણ સરપંચએ જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમને કરતા તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આરોપીના સગડ મેળવવા ઉપરાંત હત્યા શા માટે નીપજાવાઇ અને તેમાં કોણ કોણ સામેલ છે તે સહિતની વિગતોની કડી મેળવવા તજવીજ આરંભી છે.
બનાવની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર માળિયાના મોટા દહીંસરા ગામના સરપંચ જસાભાઈ ચંદુભાઈ ડાંગરએ જિલ્લા પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી કે મંગળવારે સવારે નવલખી રોડ,નર્સરી સામે રામાપીરના મંદિર નજીક વિનોદભાઈ મુળુભાઈ ચાવડા ઉ.વ.47ની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી છે. તેમની લાશ લોહીથી લથબથ પડી હોવાની જાણ થતાં જ માળિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇન્ચાર્જ પીએસઆઇ ધાંધલ સહિતના સ્ટાફે તલસ્પર્શી તપાસ આરંભી છે. તેમજ મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યો છે.
વિનોદભાઈની હત્યા કોણે અને ક્યા કારણોસર કરી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે., આસપાસના વિસ્તારોમાં રહેલા સીસીટીવી ફૂટેજ મેળવી તેમાંથી હત્યારાઓના સગડ મેળવવા તજવીજ આરંભી છે. સુત્રોમાંથી માહિતી મળી છે કે મૃતક ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જો કે તેમની કોઇ સાથે દુશ્મનાવટ હતી કે કેમ? એ સહિતની વિગતો તેમના પરિવારજનો પાસેથી મેળવાઇ રહી છે. તપાસ બાદ હત્યાનું કારણ અને સત્ય સામે આવશે તેમ તપાસનીશ અધિકારીએ ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.