માળિયા હાઈવે પર ટ્રાફિકને પગલે વાહનો ઉભા હોય ત્યારે ઉભેલા એક ટ્રક પાછળ બાઈક અથડાતા બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું. જે અકસ્માતના બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભુજના મખના કોડકી ગામના રહેવાસી રામાભાઈ સવજીભાઈ સાંભળ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ બનેવી રવજીભાઈ ભીખાભાઈ રબારીનો ટ્રક એશિયન ટ્રાન્સપોર્ટ પાવડરમાં બે વર્ષથી ચલાવતા હતા. ગત તા. ૦૩ માર્ચના રોજ સાંજે ભુજ પાસે આશાપુરા લેર ગામથી પાવડર ભરી રાત્રીના ભુજ ખાતે રાખી સુઈ ગયા હતા.
તા. 04 માર્ચના રોજ સવારે હૈદરાબાદ જવા માટે ફરિયાદી રામાભાઈ અને તેના ક્લીનર મદનભાઈ ભીલ નીકળ્યા હતા. બપોરે સામખીયાળીથી માળિયા હરીપર ગામ નજીક પહોંચ્યા ત્યારે ટ્રાફિક હોવાથી ગાડીઓ લાઈનમાં ઉભી હોવાથી તેણે પણ ટ્રક લાઈનમાં ઉભો રાખ્યો હતો. ત્યારે ગાડી પાછળ કોઈ વાહન અથડાયાનો અવાજ આવ્યો હતો.
નીચે ઉતરી જોતા બાઈક ટ્રક પાછળ સેફ્ટી ગાર્ડ સાથે અથડાયું હતું. જે બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા માળિયા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બાઈક ચાલક સતારભાઈ કાળાભાઈ પીલુડીયા હોવાનું જાણવા મળ્યું હતું. જેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
બાઈકના ચાલક સતારભાઈએ પોતાનું બાઈક પુરઝડપે ચલાવી ફરિયાદીના ટ્રક પાછળ સેફ્ટી ગાર્ડ સાથે ભટકાડી અકસ્માત સર્જતા પોતાના શરીરે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું. માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.