મોરબી જેતપુર હાઇવે પર ટ્રકે એકટીવાને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. જ્યાં એકટીવા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેની સાથે સવાર અન્ય યુવાનનું મોત થયું હતું. જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો જુદા જુદા બે બનવામાં બે લોકોએ આપઘાત કર્યો છે.
જેતપર રોડ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત
મૂળ નેપાળના વતની અને હાલ બેલા ગામની સીમમાં રહેતા પદમ બહાદુર લામીછાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બનેવી શંકરભાઈનું કામ હોવાથી રાત્રીના સુમારે તેઓ અને તેની સાથે કામ કરતા હરકભાઈ બંને શેઠ સીરાજભાઈનું એકટીવા લઈને મોરબી આવવા નીકળ્યા હતા. ત્યારે જેતપર રોડ પર પીપળી ગામ નજીક પેટ્રોલ પંપ પાસે પહોંચતા એક ટ્રક ચાલક એક્ટીવાને પાછળના ભાગે ઠોકર મારતા બંને એક્ટીવા સાથે રોડ પર પડી ગયા હતા અને ટ્રક ચાલક ટ્રક ત્યાંથી લઈને નાસી ગયો હતો. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરિયાદી પદમને ઈજા પહોંચી હોય જેને સારવાર આપી હતી. જ્યારે પાછળ બેસેલા હરકભાઈને ગંભીર ઈજા થતા ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શ્રમિકે ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી
મૂળ એમપીના વતની અને હાલ ઉંચી માંડલ ગામના રહેવાસી સત્યમ અજબસિંગ યાદવ (ઉ.વ.23) નામના શ્રમિક યુવાને સીમેરો કારખાનાના લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળેથી કોઈ કારણોસર છલાંગ લગાવી હતી. જેથી યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
શ્રમિકે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ લક્ષ્મીનગર ગામની સીમમાં રહીને મજુરી કરતા બલરામ પુલસિંગ ચૌહાણ (ઉ.વ.44) નામના શ્રમિક કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લેતા મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આધેડનું મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે નોંધ કરી કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.