મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક આવેલા પેપર મિલમાં કામ કરતી વેળાએ શ્રમિકને ઝોકું આવી ગયું હતું અને પેપર રોલ ક્રેઇનથી મુકવા જતા પેપર રોલ નીચે દબાઈ જતાં ગંભીર ઈજા પહોંચતા શ્રમિક આધેડનું મોત થયું હતું. જ્યાં બીજી બાજુ મોરબીના ભરતનગર ગામની સીમમાં હિસાબના પૈસાની લેતીદેતી મામલે ત્રણ અજાણ્યા ઈસમો સહિતના ચાર શખ્શોએ યુવાનને બેઝબોલ ધોકા વડે માર મારી અપશબ્દો બોલ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો અન્ય એક કિસ્સામાં માળિયાના મોટા દહીંસરા ગામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકેલ મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતકના પુત્રએ એક ઇસમ વિરુદ્ધ 20 વર્ષ પૂર્વેની અદાવતમાં ચાલતી માથાકૂટમાં આધેડને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દઈને નિર્મમ હત્યા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શ્રમિકને ઝોકું આવી જતા પેપર રોલ નીચે દબાઈ જતા મોત
જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ યુપીના વતની અને હાલ લીલાપર ચોકડી પાસે રહેતા જાનુકી પ્રસાદ કરણસિંહ મધુકર નામના શ્રમિક ગત તા. 02ના રોજ મધરાત્રિએ લીલાપર જોધપર રોડ પર આવેલા તીર્થક પેપરમિલમાં કામ કરતા હતા. ત્યારે ફીનીસીંગ વિભાગમાં કટર નંબર 2 બાજુમાં પેપર રોલ મુકવાની જગ્યાએ નીંદર આવતા સુઈ ગયા હતા. તે જગ્યાએ પેપર રોલ પૂરો થઇ જતા મશીન એરિયાની ઇલેક્ટ્રિક ક્રેઇનથી બીજો પેપર રોલ આશરે 8 ટનનો લગાવવાનો હોય છે. જે પેપર રોલની જગ્યાએ પેપર રોલ ક્રેઇનથી મુકવા જતા પેપર રોલ નીચે દબાઈ જતા શ્રમિક આધેડને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિસાબના પૈસા વસુલવા મામલે યુવાન પર હુમલો
મોરબી 2 વિદ્યુતનગરના રહેવાસી યશપાલ માવજીભાઈ કાનગડ નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેની ભરતનગર ગામ પાસે પરમ લોજીસ્ટીક નામે ઓફીસ આવેલી છે અને તેઓ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા છે. તે દરમિયાન યુવાન બપોરે પોતાની ઓફિસે હતો ત્યારે ભરતનગર ગામ પાસે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં આવેલી હોટેલથી જમીને બહાર નીકળ્યો. ત્યારે કૃષ્ણલીલા હોટેલ બહારના ગ્રાઉન્ડમાં ગ્રે કલરની સ્વીફ્ટ કાર નંબર પ્લેટ વગરની આવી હતી. જેમાંથી આરોપી કિશન જસાભાઈ કાનગડ જે ફરિયાદીના દુરના સગા થાય છે. તેઓ બેઝબોલ ધોકા સાથે ઉભા હતા અને તેની સાથે અજાણ્યા ત્રણ પુરુષ આવેલા હતા. જે ચારેય ઇસમોએ મળીને ફરિયાદી યશપાલને ધોકા વડે માર મારી અપશબ્દો બોલ્યા હતા અને કિશન કાનગડે મારા હિસાબના રૂપિયા દસ દિવસમાં આપી દેજે નહિ તો સારા વાટ નહિ રહે કહીને ચારેય ઈસમો સ્વીફ્ટ કારમાં બેસી નાસી ગયા હતા. પોલીસે ઈસમો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂની અદાવતમાં આધેડની નિર્મમ હત્યા
માળિયાના મોટા દહીંસરા ગામના રહેવાસી કિશોરભાઈ વિનોદભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના પિતા વિનોદભાઈ મુળુભાઈ ચાવડાને ગામમાં રહેતા આરોપી રમેશ ઉર્ફે હકા ચંદુભાઈ મિયાત્રા સાથે વીસેક વર્ષ પૂર્વે સામું જોવા બાબતે મનદુઃખ થયું હતું અને સાત વર્ષ પૂર્વે રમેશભાઈએ કૌટુંબિક કાકા જેસંગભાઈ પરબતભાઈ ચાવડા સાથે માથાકૂટ પણ કરી હતી. બાદમાં સમાજ આગેવાનોની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને સમાધાન કરવામાં આવ્યું હતું.
દરમ્યાન આજે સવારના ફરિયાદીને ટ્રાન્સપોર્ટ વ્યવસાય હોવાથી ટ્રકના સ્પેરપાર્ટ્સ લેવા અંજાર જવા મિત્રની કાર લઈને નીકળ્યા હતા. અંજાર પહોંચ્યા ત્યારે કૌટુંબિક મોટા બાપુ ધીરૂભાઈ ચાવડાએ ફોન કરી જણાવ્યું હતું કે, તેના પિતા ગામના રામાપીરની દેરીએ ગયા હતા. ત્યારે રમેશ મિયાત્રાએ માર માર્યો છે અને લોહીલુહાણ હાલતમાં દેરીના ઓટે પડ્યા છે. જેથી તેને મોરબી દવાખાને લઇ આવ્યા હતા અને ફરિયાદી પણ મોરબી આવી ગયા હતા. જ્યાં ફરિયાદી કિશોરભાઈને તેના કાકા કાનાભાઈ મુળુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પિતા વિનોદભાઈ સવારે ગામની નર્સરીથી સામે આવેલા રામાપીર દેરીએ દર્શન કરવા ગયા હતા. ત્યારે ફરિયાદીના કાકા ખેતરે જતા હતા. ત્યારે મંદિરના ઓટા પાસેથી આરોપી રમેશ ઉર્ફે હકા ચંદુભાઈ મિયાત્રા હાથમાં લોહી વાળી છરી લઈને ભાગતો જોયો હતો અને બાદમાં વિનોદભાઈ લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા
ઈજાગ્રસ્ત વિનોદભાઈને સારવાર માટે લાવવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા અને ગામના સરપંચ જસભાઈ ડાંગર આવી જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આમ આરોપી રમેશ મિયાત્રા સાથે વીસેક વર્ષ પૂર્વે મનદુઃખ થયેલ અને સાત વર્ષ પૂર્વે કૌટુંબિક કાકા ચાવડા સાથે થયેલ માથાકૂટનો ખાર રાખીને આરોપી રમેશ ઉર્ફે હકાભાઇ ચંદુભાઈ મિયાત્રાએ ફરિયાદીના પિતાને છરીના ઘા મારી ગંભીર ઈજા કરી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. માળિયા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.