મોરબીના અદેપર ગામમાં એક મહિલા ભૂલથી આવી પહોચી હતી. ગામના સરપંચે ૧૮૧ મહિલા અભિયમને જાણ કરી અને આ અસ્થિર મગજની મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં રીફર કરીને યોગ્ય કાઉન્સેલીંગ કરાવ્યું હતું અને માનસિક સારવાર કરવામાં આવી હતી.
મોરબી જિલ્લાના મહિલા અને બાળ અધિકારી એજાઝ મંન્સુરી તથા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી નિલેશ્વરીબા ગોહીલના માર્ગદર્શન હેઠળ સખી- વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા આવેલ મહિલાનું કાઉન્સેલીંગ કરી તેમના પરિવારની શોધ-ખોળ કરી હતી.
મહિલાનું કાઉન્સેલીંગ દરમિયાન આ મહિલા ૧ મહિના પહેલા જૂનાગઢથી એકલી નીકળી ગઇ હતી અને ભૂલથી મોરબીના અદેપર ગામે પહોંચી હતી. ૧૮૧ મહિલા અભયમ્ નો સંપર્ક કરાયો હતો, જ્યાંથી ૧૮૧-મહિલા અભયમ દ્વારા તે મહિલાને આશ્રય માટે સખી-વન સ્ટોપ સેન્ટર પર રીફર કરવામાં આવ્યા હતા. જૂનાગઢ ના પોલીસ સ્ટેશનનો સંપર્ક સખી- વન સ્ટોપ સેન્ટર –મોરબીના સ્ટાફ દ્વારા કરવામા આવ્યો હતો. જૂનાગઢ પોલીસ સ્ટાફની મદદથી મહિલાના જ્ઞાતિના આગેવાન સાથે વાતચીત દરમિયાન મહિલાના પરિવાર વિશે માહિતી મેળવવામાં આવી અને તે પરથી જાણવા મળ્યું કે મહિલા જૂનાગઢ માં તેમના પરીવારમાં બે બાળકો સાથે જ રહેતા હતા.
મહિલાના પુત્રનો સંપર્ક થતા મહિલાને લેવા માટે જૂનાગઢ થી મોરબી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બોલાવી માતા પુત્રનો પુન: મિલાપ થતા બન્નેના આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા. મહિલા અને તેના પુત્રોએ સખી- વન સ્ટોપ સેન્ટરના સ્ટાફનો ખૂબ જ આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.