રાહત:મોરબી નગરપાલિકા વિસ્તારના કુલ 93 મિલકતધારકને 5.75 લાખનો ટેક્સ બાદ મળશે

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વર્ષ 2021 -22ના વર્ષમાં વીજ બીલના ફિક્સ ચાર્જમાંથી પણ મુક્તિ - Divya Bhaskar
વર્ષ 2021 -22ના વર્ષમાં વીજ બીલના ફિક્સ ચાર્જમાંથી પણ મુક્તિ
  • રાજય સરકારની જાહેરાત બાદ કોરોના કાળમાં બંધ પડેલા સિનેમા, હોટેલ અને જિમ ઉદ્યોગને મળી મોટી રાહત

મોરબી પાલિકા વિસ્તારોના હોટેલ, સિનેમા, જિમ, રેસ્ટોરન્ટ ઉદ્યોગને મહામારીમાં મોટું નુકશાન થયું છે. ધંધો બરાબર ન ચાલવાને કારણે ઘણા પ્રોપર્ટી ધારકોની આવક સાવ નહિવત હોવાથી રાજય સરકારમાં રાહત આપવા માંગ કરી હતી, જેના પગલે સરકારે આ પ્રોપર્ટી ધારકોને પ્રોપર્ટી ટેક્સ અને ફિક્સ વિજદર માફ કર્યો છે. આ નિર્ણયથી પાલિકા વિસ્તારમાં નોંધાયલા 93 પ્રોપર્ટી ધારકોને 5.75 લાખની રકમનો લાભ થશે. કોરોના મહામારીએ છેલ્લા દોઢ વર્ષથી આરોગ્યની સાથે સાથે આર્થિક બાબતોને પણ મોટુ નુકશાન પહોંચાડયું છે.ધંધા રોજગાર લાંબા સમય સુધી બંધ રહેવાને કારણે ધંધાર્થીઓની આવક સાવ તળિએ આવી ચૂકી છે.

કેટલાક વ્યવસાય તો એવા થયા છે કે બેંકમાં હપ્તા ચઢી ચૂક્યા છે. વ્યવસાય વેરો કે પ્રોપર્ટી ટેક્સ ભરવા જેટલી પણ આવક ન થવાથી રાહતની માંગ કરી રહ્યા છે. રાજય સરકાર દ્વારા કેટલાક વ્યવસાયકારોને મુક્તિ આપી છે. જેમાં પ્રથમ લોકડાઉન સમયે ટ્રાન્સપોર્ટ બિઝનસમાં રોડ ટેક્સ માફ કરવાનો નિર્ણય લેવાયો હતો આ વખતે રાજય સરકાર દ્વારા સિનેમા, હોટેલ, જિમ વોટરપાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્કને રાહત આપી છે. આ ઉદ્યોગ એવા છે કે પ્રથમ લોકડાઉન બાદથી બંધ થયા બાદ ફરી શરૂ જ નથી થઈ શક્યા.અન્ય બિઝનસ બંધ હોવાથી તેમજ રાત્રી કર્ફ્યુ ના કારણે હોટેલ બિઝનેસ સાવ પડી ભાંગ્યો હતો.

અહીં માત્ર ટેકઅવે સેવા કાર્યરત હતી જેનાથી હોટેલ સંચાલકોને ખર્ચ પણ કાઢવો મુશ્કેલ હતો. આવા સમયે રાજય સરકારે હોટેલ, સિનેમા, મલ્ટીપ્લેક્સ, જિમ વોટરપાર્ક સહિત વ્યવસાયમાં પ્રોપર્ટી ટેક્સ તેમજ વીજ બિલમાં ફિક્સ રેટમાંથી મુક્તિ આપી છે. મોરબી પાલિકા વિસ્તારમાં 52 હોટેલ, 27 રેસ્ટોરન્ટ, 3 સિનેમા ઘર 1 મલ્ટીપ્લેક્ષ અને 10 જિમ મળી કુલ 93 પ્રોપર્ટી છે. આ સિવાય વાંકાનેર માળીયા નેશનલ હાઇવે, રાજકોટ મોરબી હાઇવે , પર હોટેલ રેસ્ટોરન્ટ આવેલા છે તો મોરબી માળીયા વાંકાનેર માં આવતી ગ્રામ પંચાયતની હદમાં પણ જિમ અને હોટેલ રેસ્ટોરન્ટ તેમજ વોટરપાર્ક આવેલ છે.

આ તમામને પ્રોપર્ટી ટેક્સમાંથી બાદ મળશે. મોરબીના આ 93 મિલ્કત ધારકોને ચાલુ વર્ષના રૂ.5.75 લાખનો પ્રોપર્ટી ટેક્સ બાદ મળશે. જો કે આ લાભ લેવા માટે પ્રોપર્ટી ધારકોએ અગાઉના જૂના પ્રોપર્ટી ટેક્સ તેમજ અન્ય વેરા ભરવા ફરજિયાત રહેશે.

આ ઉદ્યોગને મળશે રાહત
મોરબી શહેરમાં 52 હોટેલ ઉદ્યોગને રૂ. 1.59 લાખ, 27 રેસ્ટોરન્ટમા 2.86 લાખ,3 સિનેમાઘરમાં 50 હજાર, શહેરી વિસ્તારોમાં આવેલા એક માત્ર મલ્ટીપ્લેક્સમાં 20 હજાર અને 10 જિમ સંચાલકને 60 હજારનો ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...