મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ નાગરિકોનાં મોત થયાં હતાં. જે બનાવ બાદ હાઈકોર્ટમાં ચાલતા કેસમાં સરકાર પક્ષે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા કામગીરી ચાલતી હોવાનું જણાવ્યું હતું. જે અંતર્ગત મોરબી નગરપાલિકાને ગત 18 જાન્યુઆરીના રોજ નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેવી નોટિસ આપી હતી. ત્યારે 25 જાન્યુઆરી સુધીમાં તમામ સભ્યોનો લેખિત જવાબ માગતા આજે મોરબી નગરપાલિકાની ખાસ સાધારણ સભા મળી હતી.
અગાઉ કોરોના મહામારી અને ચૂંટણી તૈયારીનાં બહાનાં બનાવીને નાગરિકોના પ્રશ્ને સાધારણ સભા નહીં બોલાવનારા પાલિકાના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોએ પોતાના પગ તળે રેલો આવ્યો છે ત્યારે આજે ખાસ સાધારણ સભા બોલાવી હતી. જેમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના 39 સભ્યો હાજર રહ્યા હતા, તો 13 સદસ્યો ગેરહાજર રહ્યા હતા. બોર્ડની શરૂઆત ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી કરવામાં આવી હતી અને બાદમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.
સરકાર તરફથી મળેલી નોટિસનો પાલિકાના ચૂંટાયેલા 52 સભ્યોએ જવાબ રજૂ કરવાનો હતો. જો કે, પાલિકા પાસે જરૂરી સાધનિક કાગળો અને આધાર પુરાવા ના હોવાનું બહાનું ધરી દેવામાં આવ્યું છે. જે ઠરાવ કરવામાં આવ્યો છે તેમાં જણાવ્યું છે કે, સરકાર તરફથી મળેલી નોટિસમાં સરકાર તરફથી નગરપાલિકાની જવાબદારી નક્કી કરવામાં જે બાબતો રજૂ થયેલી છે તેનો રેકર્ડ સરકારની નિયુક્ત તપાસ સમિતિએ જે તે સમયે હસ્તગત કરવામાં આવેલો છે. સરકારની નોટિસમાં પણ નોટિસના મુદ્દાઓ પરત્વેનું કોઈ સાહિત્ય કે આધારપત્રો નોટિસ સાથે આપવામાં આવેલા નથી. તેથી આ બાબતે સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસના જરૂરી સાધનિક કાગળો અને આધાર પુરાવા સરકારમાંથી માંગવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે છે અને સરકારમાંથી જરૂરી આધારપત્રો/સાધનિક કાગળો મળ્યેથી આ બાબતે જરૂરી જવાબ સરકારને રજૂ કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે. નગરપાલિકાનો જવાબ રજૂ થાય ત્યાં સુધી આ અંગે કોઈ નિર્ણય ન્યાયના હિતમાં ના કરવા સરકારમાં વિનંતી કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકાની તમામ 52 બેઠક પર ભાજપનો કબજો છે. જો કે, આમ છતાં છેલ્લા ઘણા સમયથી પાલિકાનું જનરલ બોર્ડ મળ્યું ના હતું અને પાલિકા સુપરસીડ અંગે કારણદર્શક નોટિસ મળતાં આજે ખાસ સાધારણ સભા બોલાવવાની ફરજ પડી હતી. ત્યારે આજના બોર્ડમાં નોટિસ સંબંધિત કાર્યવાહી કરવામાં આવી હતી. તો ગત જનરલ બોર્ડની પ્રોસિડિંગ નામંજૂર કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.