નિર્ણય:ટંકારા પાસે આકાર લેશે ઋષિ સ્મૃતિ સ્મારક

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કર્યું ભૂમિપૂજન, 2024 સુધીમાં નિર્માણકાર્ય પૂર્ણ કરી દેવાશે
  • નવનિર્મિત​​​​​​​ સ્થળ મહર્ષિ દયાનંદના વિચારો થકી સામાજિક ક્રાંતિનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરાઇ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મહર્ષ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ ટંકારા નજીક આકાર લેનારા અત્યાધુનિક ઋષિ સ્મૃતિ સ્થળ સ્મારકની મુલાકાત લીધી હતી અને ત્યાં ભૂમિપૂજન કર્યું હતું.આ તકે તેમણે પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નવનિર્મિત આ સ્મારક મહર્ષિ દયાનંદના વિચારો દ્વારા સમાજ ક્રાંતિનું શ્રદ્ધા કેન્દ્ર બનશે.

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ વૈદિક સંસ્કૃતિની પુનર્સ્થાપના દ્વારા રાષ્ટ્રની સભ્યતા – સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા સમગ્ર જીવન ન્યોછાવર કર્યું હતું. તેમણે અંધશ્રદ્ધા, પાખંડ અને કુરીતિઓથી સમાજને મુક્ત કરી સમરસ સમાજના નિર્માણ માટે જીવન પર્યન્ત કાર્ય કર્યું.

મહિલા શિક્ષણ અને નારી ગૌરવ ક્ષેત્રે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સમાજને નવી દિશા આપી હતી, એટલું જ નહીં તેમના વિચારોથી દેશભરમાં ક્રાંતિ આવી અને ભારતની આઝાદી માટે તેમણે લોકમાનસને ઘડ્યું. આવા મહાન સમાજ ઉદ્ધારક યુગપુરુષના ભવ્ય અને અત્યાધુનિક સ્મારકના નિર્માણ માટે દેશભરના આર્યસમાજના અગ્રણીઓએ સંકલ્પ લીધો છે. એટલું જ નહીં આગામી વર્ષ 2024માં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ સુધીમાં આ ભવ્ય સ્મારકનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારી આરંભી દેવાઇ છે.

રાજ્યપાલે ટંકારા નજીક હરબટીયાળી ગામ ખાતે 15 એકર જેટલી જમીન વિસ્તારમાં આકાર લેનારું આ ભવ્ય સ્મારક સત્ય અને જ્ઞાનના પ્રકાશથી સમાજને આલોકિત કરશે તેમ જણાવી ઉમેર્યું હતું કે, વિશ્વભરમાં ફેલાયેલા આર્યસમાજના અનુયાયીઓની જનશક્તિના સહયોગથી આ શ્રદ્ધા કેન્દ્રનું નિર્માણ થશે જેમાં વિશ્વભરની આર્યસમાજની શાખાઓ પોતાનું યોગદાન આપશે.

આ પ્રસંગે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારાના અધ્યક્ષ ડૉ. પૂનમ સુરીએ જણાવ્યું હતું કે, સત્ય અને જ્ઞાનના પ્રકાશથી સમાજનું દિશાદર્શન કરવું એ મહર્ષિ દયાનંદ સરસ્વતીનું ધ્યેય હતું. તેને અનુસરીને આ સ્મારકનું નિર્માણ જ એ રીતે કરાશે કે જેથી મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવનવૃત્તથી લોકોને સતત પ્રેરણા મળતી રહે. તેમણે આ સંકુલમાં ડીએવીના સહયોગથી વિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે. આ પ્રસંગે ટ્રસ્ટના મંત્રી અજય સહગલ, ટ્રસ્ટીઓ સુનીલ માનકટલા, અરૂણ અબરોલ, મહેશ વેલાણી, મણી સૂરી, નિશા પેશીન, આર્ય પ્રતિનિધિ સભા નવી દિલ્હીના વિનય આર્ય, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...