માવતર બન્યાં કમાવતર:માળિયાના મેઘપર ગામેથી ખેતરમાંથી કોથળામાં બાંધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી

મોરબી15 દિવસ પહેલા
મેઘપર ગામેથી ખેતરમાંથી કોથળામાં બાંધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી
  • એક દિવસની નવજાત બાળકીને ત્યજી દેવાતાં પંથકમાં ફિટકાર
  • બાળકીને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ
  • પોલીસે બાળકીનાં માતા-પિતાને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા

અમદાવાદ, રાજકોટ બાદ હવે મોરબી પાસે આવેલા માળીયાના મેઘપર ગામના એક ખેતરમાંથી નવજાત બાળકી મળી આવી હતી. ગામની આંગણવાડીના પાછળના ભાગે આવેલા રસ્તા પરથી કોથળામાં બાંધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. જેની જાણ આ ગામના સરપંચ વિજય સવાભાઇ મિયાત્રાને થતાં તેમણે તુરંત બાળકીને માળિયા સીએચસી ખાતે સારવાર અર્થે મોકલી હતી. ઘટનાની જાણ થતા માળિયા પોલીસના પીએસઆઈ ચુડાસમા અને સ્ટાફે હોસ્પિટલ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. બિનવારસી હાલતમાં નવજાત શિશુ મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને બાળકીના માતા-પિતાને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગે 108ની ટીમને જાણ થતાં મોરબી 108ના જિલ્લા ઓફિસર નિખિલ બાકરેના માર્ગદર્શનમાં મહેન્દ્રનગર લોકેશનના 108ની ટીમના પાઈલોટ હનીફ દલવાણી અને ઇએમટી દીપિકા પરમાર માળીયા સીએચસી ખાતે દોડી ગયા હતા. તેમણે મહિલા કોન્સ્ટેબલ જનકબેન અને મહિલા સામજિક કાર્યકરને સાથે રાખી બાળકીનો ક્બ્જો મેળવી તેને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.

અમદાવાદ અને રાજકોટમાંથી નવજાત શિશુ ત્યજી દેવાની ઘટનાઓ સામે આવી છે. પરંતુ મોરબી પંથકમાં આવી ઘટના પહેલીવાર બની હોવાનું મનાઈ રહ્યું છે. ઉપરાંત બાળકી સ્વસ્થ હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...