મોરબીના નાની વાવડી ગામ નજીકથી બાઈકમાં પસાર થતા પિતા-પુત્રને ઠોકરે લીધા હતા. તેમજ બાદમાં અન્ય એક સ્કૂટર સાથે કાર અથડાઈ હતી. જે અકસ્માતમાં ઘવાયેલા આધેડનું મોત થયું હતું. જે બનાવમાં પાડોશીએ જમીનના ડખ્ખામાં આધેડના બાઈક સાથે કાર અથડાવી હત્યા નીપજાવી હોવાનો ખુલાસો થયો છે. જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીને દબોચી લીધો છે.
સારવાર દરમિયાન આધેડનું મોત
મોરબીના આનંદનગર પાસે રહેતા કિરીટ નાથુભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 14/12/2022 ના રોજ તે પોતાનું ઇલેક્ટ્રિક બાઈક લઈને નાની વાવડી ગામે ગયા હતા અને પરત આવતી વેળાએ વાવડી રોડ સ્વામીનારાયણ મંદિર સામે અજાણ્યા કાર ચાલકે અન્ય બાઈક સાથે અથડાવી બાદમાં અમારા સ્કૂટરને ઠોકર મારી હતી. જેમાં અમારા બાઈક પૂર્વે જે બાઈકને ટક્કર મારી હતી તેમાં સવાર હમીર મેપાભાઈ પીઠમલ અને તેનો દીકરા કાનાને ઈજા થતા રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 15 દિવસની સારવાર બાદ ઈજાગ્રસ્ત હમીરભાઈનું મોત થયું હતું.
બનાવ હત્યામાં પલટાયો
જે બનાવ અકસ્માતનો નહિં પરંતુ હત્યાનો હોવાનો ખુલાસો થવા પામ્યો છે. જેમાં મૃતક હમીરભાઈના પાડોશી કાના ડાયાભાઇ કુંભારવાડિયા સાથે જમીન બાબતનો ડખ્ખો ચાલતો હતો. જેમાં આરોપી કાનાભાઈએ બાઈક સવાર પિતા-પુત્રને કારથી ઠોકર મારી હતી. જે અકસ્માતમાં ઈજાગ્રસ્ત હમીરભાઈનું મોત થયું હતું. જેથી બનાવ હત્યામાં પલટાયો છે. જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને આરોપી કાના ડાયાભાઇને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.