સામાન્ય રીતે ઠંડીની મોસમ શરૂ થતાં અમરેલી, ધારી અને ગીર જંગલના રાની પશુઓ ગોંડલ, વાંકાનેર પંથક તરફ નજર દોડાવતા હોય છે અને વિહરતા વિહરતા આવી પહોંચે છે. ત્યારે આજથી 6 દિવસ પહેલા દિગ્વિજય નગરની પાછળના જંગલ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી. જેને લઈ લોકોમાં ભય ફેલાયો હતો. દીપડો દેખાયો હોવાની લોકોની ફરિયાદના આધારે વન વિભાગ એલર્ટ બની ગયો છે અને પાંજરૂ મૂકી દીપડાને પકડી લેવા કવાયત આરંભી હતી. જે બાદ આજે પરોઢિયે સવારે 6 વાગ્યે દીપડો પાંજરામાં પુરાઈ જતા વન વિભાગ અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આ અંગે વાંકાનેર તાલુકના આરએફઓ પ્રતિક નારોડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્ય હતું કે, વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં ઘણીવાર દિપડા સહિતના જંગલી પ્રાણીઓ ચડી આવતા હોવાનાં સમાચારો સામે આવે છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી વાંકાનેર શહેરી વિસ્તારોમાં પણ દિપડા દેખા દેતા હોવાના સમાચારો સામે આવ્યા હતા. જેથી અમે સત્વરે દીપડાને કેદ કરવા પાંજરૂ ગોઠવી દીધું હતું. અને લોકોને પણ અપીલ કરી હતી કે દિપડા પાંજરે ન પુરાય ત્યાં સુધી સાવચેતી રાખે તેવું તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, દીપડાને પકડી પાડવા માટે તેમની ટીમે સઘન કામગીરી હાથ ધરી હતી. જેને પગલે આજે વાંકાનેરના દિગ્વિજયનગર પાછળ જ્યાં વન વિભાગે પાંજરૂ મૂક્યું હતું. ત્યાં જ દીપડો પકડાય ગયો હતો. વહેલી સવારે 6 વાગ્યે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે હવે તંત્ર દ્વારા આગળથી સૂચના પ્રાપ્ત થયા બાદ દીપડાનું સ્થળાંતર કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.