મોરબી શહેર નજીક આવેલા ખોખરાધામ ખાતે 108 ફૂટના હનુમાનજીની પ્રતિમાના નિર્માણ બાદ તેના અનાવરણ અાગામી તા. 16ના રોજ થવા જઇ રહ્યું છે, તેની સાથે સાથે ખોખરાધામમાં 8 વર્ષ બાદ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શુક્રવારથી રામકથાનો પ્રારંભ થયો છે. જેમાં સવારે બેલા ગામથી 3 હાથી, 51 ઘોડા અને બગીઓ તેમજ મહારાષ્ટ્રના ઢોલ નગારા અબીલ ગુલાલ અને પુષ્પવર્ષા વચ્ચે રજવાડી ઠાઠમાઠ સાથે શોભાયાત્રા નીકળી હતી.
બેલા ભરતનગર ઉપરાંત આસપાસના ગ્રામજનોની હાજરીમાં વિશાળ શોભાયાત્રા અને પોથીયાત્રા નીકળી હતી. બેલા ગામથી આ રીતે પોથીયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. ખાસ બહેનો તેમજ યુવાનોએ બેન્ડ બાજા અને ઢોલ નગારાની અદભુત સૂરાવલીના નાદ સાથે રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. જો કે પોથીયાત્રામાં જોડાયેલા ખાસ ઘોડેસવારોએ અદભુત કરબત દર્શાવ્યા હતા. સાથેસાથે જયથી રામના અદભુત નાદથી વાતાવરણ એકદમ અલૌકિક બની ગયું હતું.
આ પોથીયાત્રામાં ખોખરાધામના મહંત કનકેશ્વરી દેવીજી ઉપરાંત વિવિધ સાધુ સમાજના સાધુઓ મહંતો તેમજ ધાર્મિક આગેવાનો ઉપરાંત કથાના મુખ્ય યજમાન અજયભાઈ લોરિયા તેમજ મોરબીના રાજકીય આગેવાન પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપરાંત અનેક રાજકીય આગેવાનો જોડાયા હતા. શોભાયાત્રા બેલા ગામથી વાજતે ગાજતે ખોખરાધામ પહોંચ્યા બાદ કથા પોથી તેમજ ધાર્મિક પુસ્તકોનું શાસ્તત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું.બાદમાં વ્યાસપીઠ પર તેનું પૂજન કરી કથાનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. કથાના પ્રથમ દિવસે બેલા અને ભરતનગર ઉપરાંતના આસપાસના 20 થી વધુ ગામના લોકો મોરબી, માળિયા વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ધર્મલાભ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.