તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:મોરબીમાં 40 સેન્ટર પર વધુ 3991 લોકોને વેક્સિનનો ડોઝ

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિર્ધારિત ડોઝના બદલે ઓછો સ્ટોક આવતાં અનેક લોકોને ધક્કા

મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર નહિવત થઇ ગઇ છે અને કોરોનાના કેસ હવે ગણ્યાં ગાંઠયા જ આવી રહ્યા છે ત્યારે સરકાર પણ પોતાનું ધ્યાન મહત્તમ વેક્સિનેશન પર કેન્દ્રિત કરી રહી છે પરંતુ બીજી તરફ રસીનો સ્ટોક ઓછો આવતો હોવાથી ધાર્યું નિશાન પાર પડતું નથી. એક સમયે મોરબી જિલ્લામાં 70 કેન્દ્રો પર વેક્સિનેશન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મોટાભાગે એટલા કેન્દ્રો પર રસી અપાઇ શકી નથી.

35 થી 40 જ કેન્દ્રો પર રસી અપાઇ શકે તેટલો જ સ્ટોક આવે છે અને તે પણ મર્યાદિત જથ્થામાં જ. ઓનલાઇન રજિસ્ટ્રેશન 10 ટકા જ થઇ રહ્યું છે અને સ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને રસી લેવા આવતા લોકો સવારથી લાઇનમાં આવી જતા હોવાથી અને સ્ટોક ઓછો હોવાથી 11 વાગ્યા સુધીમાં તો સ્ટોક ખલ્લાસ થઇ જતો હોવાથી અનેક લોકોને પાછું જવું પડી રહ્યું છે.

જો કે અમુક કેન્દ્રના કાબેલ સ્ટાફમાં એવી આવડત હોય અને રસીની વાયલ થોડી વધારે ભરેલી હોય તો તેમાંથી 10ના બદલે 11 લોકોને રસી આપી શકાય છે અને તે સ્કીલનો ઉપયોગ પણ થઇ રહ્યો છે તેમ છતાં આ રીતે રસીકરણમાં કોઇ ઝડપ નહીં આવે તો લક્ષ્ય સિધ્ધિ આસાન નહીં હોય. હવે ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. સામી બાજુએ વેક્સિનેશનની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે.મોરબી જિલ્લામાં વેક્સિનના સ્ટોકના અભાવે કોરોના વેક્સિન કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે.

જિલ્લામાં મંગળવારે 38 સરકારી અને 2 ખાનગી મળી કુલ 40 સેન્ટર પર 3991 લોકોને વેક્સિન આપી હતી. 3991 લોકોમાંથી 653 લોકોને બીજો ડોઝ આપ્યો હતો તો 3338 લોકોને પ્રથમ ડોઝ આપ્યો હતો. કુલ 3,47,672 ડોઝ આપ્યા હતા જેમાથી 2,71,796 લોકોને પ્રથમ જ્યારે 75876 લોકોને બીજો ડોઝ આપ્યો છે. આજે બુધવારે રસીકરણ મમતા દિવસ હોવાથી બંધ રાખશે. હવે જો આ જ રીતે રસીકરણ ચાલશે તો મોટાભાગની વસતિને રસીના બે ડોઝથી સુરક્ષિત કરવામાં દીવાળી આવી જાય તો પણ નવાઇ નહીં.

અન્ય સમાચારો પણ છે...