હળવદ તાલુકામાં બે દિવસ પહેલા છેવાડાના ગામ એવા ટીકર ગામે રણની ઢસી વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં પતિ-પત્નીની લાશ મળી આવી હતી. આ મામલે મૃતક યુવકના નાના ભાઇએ હળવદ પોલીસ મથકમાં મૃતકના જ ચાર પાડોશી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
પોલીસ ફરિયાદમાં ફરિયાદી રાજુભાઇ નાગરભાઇ સુરાણીએ આરોપી માવજી નાનજી, ચંપાબેન માવજીભાઇ, મુરીબેન નાનજીભાઇ અને નાનજીભાઇ જીવાભાઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યુ હતું કે, ગઇ તા. 8ના રોજ સવારના આઠેક વાગ્યે રાજુભાઇ મજુરી કરી પાછા આવ્યા ત્યારે તેમની પત્ની રમીલાએ મને વાત કરેલ કે તેમના મોટાભાઈ શૈલેષભાઇ અને સરોજભાભી બપોરના જમીને ટીકર રણમાં મીઠાના કામ માટે ગયા હતા. જે હજી સુધી ઘરે પાછા આવ્યા નથી. જેથી રાજુભાઇ તથા તેમના બનેવી સુરેશ તેમજ તેમના ફુઇનો દીકરો અરવિંદ એમ ત્રણેય મોટરસાયકલથી ટીકર રણની ઢસી ખારી ગુંદરાણી વિસ્તારમાં આશરે સાતેક વાગ્યે પહોંચ્યા હતાં. ત્યાં તપાસ કરતા તેમના ભાઇ શૈલેષ તથા તેમના ભાભી સરોજબેનનું મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે બંનેને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
વધુમાં તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, આ બનાવ બન્યાના પંદરેક દીવસ પહેલા ટીકર ગામના વતની માવજીભાઇ નાનજીભાઇની પત્ની ચંપાબેને તેમના ભાઇ શૈલેષના મોબાઇલ ફોન ઉપર ફોન કરીને કહ્યું હતુ કે, તારી પત્ની મારા પતિ સાથે સબંધ રાખે છે અને તેને સમજાવી દેજે અને ત્યારબાદ તેણે તેમના ભાભીને પણ ફોન ઉપર ઠપકો આપ્યો હતો. જેથી તેમના ભાઈ શૈલેષભાઈ તથા ભાભી સરોજબેન તેના ઘરે આ બાબતે મળવા જતા માવજી તથા માવજીની પત્ની ચંપાબેન તથા માવજીના માતા મુરીબેન તથા માવજીના પિતા નાનજીભાઇ જીવાભાઇએ શૈલેશભાઈ સાથે સરોજબેનના ચારીત્ર્ય બાબતે ઝગડો તકરાર કર્યો હતો. અને તે પછી તે જ દીવસે ઘર પાસે આવી આ ચારેય લોકોએ તેમના ભાઇ-ભાભી સાથે ઝગડો કરેલો અને આ ઝગડાના સમયે રાજુભાઇ પણ હાજર હતા. ત્યારે માવજીના પત્ની ચંપાબેન અને તેના માતા મુરીબેન તથા પિતા નાનજીભાઇ જીવાભાઇએ રાજુભાઇના ભાભી સરોજબેનના માવજી સાથે પ્રેમ સબંધ હોવાની વાત કરીને અપશબ્દો આપી ઝગડો કર્યો હતો. જે બાદ દંપતીએ સજોડે આપઘાત કર્યો હતો. જેને પગલે રાજુભાઇએ મૃતક શૈલેષભાઈનો ફોન ચકાસતા તેમાં એક વીડિયો ક્લિપ મળી આવી હતી. જેમાં દંપતી એવું જાહેર કરે છે કે પાડોશી આરોપીઓનાં માનસિક ત્રાસના કારણે અમે બંને અંતિમ પગલું ભરી રહ્યા છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.