વિશેષ હેત કે હથેળીમાં ચાંદ:મોરબીમાં સિરામિક પાર્ક આકાર લેશે ત્યારે સાત હજાર કરોડના રોકાણના ઉજળા સંકેત

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજેટમાં કરાયેલી જાહેરાત બાદ વાસ્તવિક સ્થિતિનું આકલન કરે છે ઉદ્યોગકારો
  • આધુનિક એક્સપો સેન્ટર, કોમન ફેસિલિટી કેર સેન્ટર, RMD લેબ ઊભી થાય તેવી ઉદ્યોગકારોની વર્ષોથી માંગ હજુ પેન્ડિંગ

રાજ્ય સરકારના વર્ષ 2022ના બજેટમાં મોરબી માટે મહત્વની જાહેરાત કરી છે.ખેડૂતો માટે સિંચાઇ જોગવાઈ, ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ સંકુલ, શ્રમિકો માટે શ્રમ નિકેતન હોસ્ટેલ અને સૌથી મોટા લાભ રૂપે ઇન્ટરનેશનલ સિરામિક પાર્કની સુવિધા મળતા હવે મોરબીનું સિરામીક એક્સપોર્ટ અનેક ગણું વધવાની ઉદ્યોગકારોએ આશા વ્યક્ત કરી વધારાના નવા 5 થી 7 હજાર કરોડના રોકાણ આવવાના સંકેતો મળી રહ્યા છે તેમ જણાવ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા વર્ષ 2022ના અંદાજપત્રમાં સરકારે મોરબી ઉપર વિશેષ હેત વરસાવ્યું છે તેવું તો જણાઇ રહ્યું છે.

તાજેતરમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગકારો સાથે ફળદાયી બેઠક યોજી બજેટમાં મોરબીને રૂપિયા 400 કરોડના ઇન્ટરનેશનલ સિરામિક પાર્કની ભેટ ધરી છે. વધુમા આ સિરામીક પાર્ક માટે ટૂંક સમયમાં જ જમીન સંપાદન સહિતની કાર્યવાહી શરૂ કરી અહીં વિદેશી ગ્રાહકો માટે વિશેષ ડિસ્પ્લે, લેબ સહિતની સુવિધા વિકસાવી હયાત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવાશે તેમ ઉધોગકારો જણાવી રહ્યા છે.

ગત બજેટમાં થયેલી જાહેરાત હજુ અદ્ધર તાલ
2 વર્ષ પહેલાં બજેટમાં નવલખી પોર્ટ પર જેટી નિર્માણ માટે જાહેરાત કરાઈ હતી. જો કે આ અંગે હજુ કોઈ કામગીરી શરૂ થઈ નથી. મોરબી પીપળી અને મોરબી હળવદ ફોર લેન કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી. ઉપરાંત મેડિકલ કોલેજ, ઉડાન પ્રોજેકટ અંતર્ગત રાજપર એરપોર્ટ નવિનીકરણ સહિતની પણ જાહેરાત થઈ હતી. જો કે કોઈ કામગીરી થઈ નથી. અગાઉની જેમ આ જાહેરાત પણ જમીન પર હકીકત બનીને આવશે તે વિશે પણ શંકા કુશકા પ્રવર્તી રહી છે.

ટ્રાન્સપોર્ટનગર ઊભું કરવાની તાતી જરૂરિયાત
ઉદ્યોગના કારણે રોજ હજારો ટ્રકની અવરજવર રહે છે જેથી ટ્રાફિકજામની સમસ્યા કાયમી બને છે. બીજુ આ રોડ ભારે વાહનોના વજન સહન કરી શકતા ન હોવાથી રોડ ગણતરીના મહિનામાં બિસ્માર થઇ જાય છે. આ સમસ્યા નિવારવા ટ્રાન્સપોર્ટ નગર ઝડપથી અસ્તિત્વમાં આવે તેવું ઉદ્યોગકારો ઇચ્છી રહ્યા છે.

સિરામિક પાર્ક અંગે કોઈ સ્પષ્ટતા નથી, એક્સપો સેન્ટર મળી શકે
ઇન્ટરનેશનલ સિરામિક પાર્કના નિર્માણ બાદ અંદાજે 5000થી 7000 કરોડનું રોકાણ આવશે, ઉપરાંત ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક મોરબીને મળતા જેમ ગાંધીનગર મહાત્મા મંદિર જેવું એક્સપો તેમજ કોમન ફેસિલિટી સેન્ટર અને આર એમડી લેબ સહિતની આધુનિક સુવિધા મળતા વિદેશીથી આવતા વેપારીઓ અને અન્ય ધંધાર્થી આસાનીથી એક જ સ્થળે વિવિધ પ્રોડક્ટને નિહાળી શકે તેવો ડિસ્પ્લે બનતા નિકાસ વેગવંતી બનવાની સાથે વધશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જો કે આ બધું એક સમય બાદ થશે તેવું હાલના સંજોગો જોતાં લાગી રહ્યું છે. > મુકેશ કુંડારિયા, પ્રમુખ, સિરામિક એસો. મોરબી

અન્ય સમાચારો પણ છે...