પાણીની આવક:મોરબી જિલ્લાના 10 માંથી 9 ડેમમાં નવાં નીર આવ્યા, મચ્છુ-2 ડેમમાં 4860 કયુસેક પાણીની આવક

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લા પર મેઘરાજા જાણે જુલાઈ મહિનામાં ઓળઘોળ થઇ ગયા હોય તેમ છેલ્લા એક સપ્તાહથી હળવાથી લઈ ભારે વરસાદ પડી રહ્યો હતો તેમાં પણ જાણે રવિવારે તો મોરબીવાસીઓને ખુશ કરી દેવા હોય તેમ આખી રાત ભારે વરસાદ પડ્યો હતો. મોરબી શહેરમાં તો જાણે તમામ કસર પૂરી કરી હોય તેમ એક રાતમાં 5 ઇંચ વરસાદ વરસી ગયો હતો તો હળવદ અને ટંકારામાં 2 ઇંચ જયારે વાંકાનેરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો.

જિલ્લા સવર્ત્ર વરસાદ થવાથી શહેર હોય કે ગામડા ઠેર ઠેર નાના જળાશયો એક રાતમાં જ છલકાવવા લાગ્યા છે તો ડેમમાં પણ નવી આવક થવાની શરુઆત થઇ ગઈ છે. મોરબી જિલ્લાના 10માંથી 9 ડેમમાં નવા નીર આવ્યા હતા જેમાં સૌથી વધુ ડેમી ૩માં 9861 કયુસેક પાણીની આવક નોંધાઈ હતી તો મોરબી જિલ્લાની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં પણ 4858 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 52.66 ટકા થઇ છે. તો પાણીનો જથ્થો પણ 889.51 એમસી એફટી થયો છે .

જિલ્લાના અન્ય ડેમની વાત કરીએ તો મચ્છુ ૩ ડેમમાં પણ 1162 કયુસેક પાણીની આવક થતા ભરાયેલા ડેમની સપાટી 23.20 થવા પામી છે તો પાણીની સપાટી 72.19 એમસીએફટી થઇ છે.ટંકારા તાલુકાની વાત કરીએ તો ડેમી 2 માં 98 કયુસેક પાણીની આવક થઇ છે અને ડેમમાં હાલ 128.54 એમસીએફટી પાણી ભરાયેલું છે ડેમી 3 જિલ્લામાં સૌથી વધુ આવક નોંધાઇ છે.

અહી 9861 કયુસેક પાણીની આવક થઈ છે અને ડેમમાં હાલ 17.66 એમસીએફટી પાણી ભરાયેલું છે. ડેમી 1 માં હજુ કોઈ નવી આવક નોંધાઈ નથી અને ડેમની સપાટી 55.95 ફૂટ પર સ્થિર છે અને ડેમમાં પાણીનો જથ્થો 133.23 એમસીએફટી છે. હળવદ તાલુકાની વાત કરીએ તો અહી બ્રાહ્મણી 1 ડેમમાં હજુ પણ નર્મદાની કેનાલની આવક ચાલુ છે સાથે સાથે વરસાદ પણ હાજરી પુરાવે છે,

એમ બન્ને પ્રકારે કુલ 345.68 કયુસેક પાણીની આવક થઇ છે આ સિવાય બ્રાહ્મણી 2 ડેમમાં 315 કયુસેક પાણી આવી રહ્યું છે જેમાંથી 250 ક્યુસેક પાણી સૌની યોજના અંતર્ગત કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થવાથી ખેડૂતો અને જિલ્લાવાસીઓમાં પણ ખુશીની લ્હેર છવાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...